ગુજરાત સરકારએ પંચાયતી રાજ પ્રણાલીમાં ઐતિહાસિક અને વ્યાપક ફેરફાર લાવતો એક મહત્વપૂર્ણ રાજપત્ર જાહેર કર્યો છે, જેનાથી ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખો તથા અન્ય હોદ્દેદારોમાં ભારે હલચલ મચી ગઈ છે. આ નવા રાજપત્ર હેઠળ સરકારએ અધિકારીઓને વિશેષ સત્તા આપી છે કે તેઓ ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા સત્તાનો દુરુપયોગ જેવા આરોપોને આધારે કોઇપણ હોદ્દેદાર સામે તપાસ શરૂ કરી શકે છે અને જરૂરી જણાય તો તેને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી પણ કરી શકે છે.
આ રાજપત્ર મુજબ, તપાસ માટે હવે ફક્ત ગંભીર ફરિયાદ જ જરૂરી નથી — સામાન્ય નાગરિક તરફથી, અન્ય હોદ્દેદાર કે સંસ્થાની તરફથી કરાયેલી ફરિયાદ, કે પછી ઓફિસ ઇન્સપેક્શન, ઓડિટ રિપોર્ટ, કેગના રિપોર્ટ, જાહેર હિસાબ સમિતિ અથવા પંચાયતી રાજ સમિતિના રિપોર્ટ, વિધાનસભાની કાર્યવાહી અથવા અખબારી અહેવાલ જેવી માહિતીના આધારે પણ તપાસ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત, અધિકારીઓને સુઓમોટો (સ્વયંપ્રેરિત) તપાસ શરૂ કરવાની પણ સત્તા આપવામાં આવી છે, જો તેમને લાગે કે કોઈ હોદ્દેદાર ફરજમાં નિષ્કાળજી રાખે છે, સત્તાનો દુરુપયોગ કરે છે કે વારંવાર ગેરવર્તણૂક કરે છે.

રાજપત્રમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જો કોઇ અધિકારીને પુરવઠા અથવા માલસામાનમાં ગેરરીતિ, સરકારી ફાઈલોમાં છેડછાડ, કે ગ્રાન્ટની અયોગ્ય ફાળવણી જેવી બાબતો જણાય, તો તે પણ તપાસનું કારણ બની શકે છે. આ સાથે ડિજિટલ પુરાવા, જેમ કે ફોટો, વિડિયો, ઓડિયો અથવા દસ્તાવેજો પણ માન્ય પુરાવા તરીકે ગણાશે.
ફરિયાદની પ્રક્રિયામાં પારદર્શકતા જળવાય તે માટે ફરિયાદીનું નામ, સરનામું, સંપર્ક નંબર અને આક્ષેપોની સંપૂર્ણ વિગતો ફરજિયાત રહેશે. તપાસના નિયમ મુજબ, કોઈપણ હોદ્દેદાર વિરુદ્ધ ગેરરીતિ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય તો પહેલી નોટિસની તારીખથી 3 મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ અને અંતિમ નિર્ણય આપવો પડશે. તપાસ દરમિયાન જો આરોપી હોદ્દેદાર વારંવાર ગેરહાજર રહે તો તેને મહત્તમ ત્રણ તક આપવામાં આવશે, ત્યારબાદ તેની ગેરહાજરીમાં પણ તપાસ ચાલુ રાખી શકાય.
સાથે જ, જો કોઈ વ્યક્તિ ખોટી અથવા દુભાવનાથી ભરેલી ફરિયાદ કરે છે, તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહીનો પ્રાવધાન રાખવામાં આવ્યો છે. પહેલી વાર ખોટી ફરિયાદ કરનારને લેખિત ચેતવણી આપવામાં આવશે, અને જો તે વારંવાર ખોટી ફરિયાદ કરે તો એક વર્ષ સુધી ફરિયાદ કરવાનો પ્રતિબંધ લગાવવામાં આવશે. વધુમાં, જો ઘણી ફરિયાદોમાં તેની બદઈરાદી સાબિત થાય તો તેની સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. જોકે, જો ફરિયાદ સારા ઈરાદાથી કરવામાં આવી હોય અને ખોટી સાબિત થાય, તો ફરિયાદી સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.
આ રાજપત્રથી હવે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના હોદ્દેદારો પર જવાબદારી અને પારદર્શકતા વધશે, પરંતુ સાથે સાથે ભ્રષ્ટાચારના આરોપો સામે તેઓને વધુ કડક તપાસનો સામનો પણ કરવો પડશે. સરકારના આ પગલાને પંચાયતી વ્યવસ્થામાં શિસ્ત, જવાબદારી અને સ્વચ્છતા લાવવા માટેનો મહત્વપૂર્ણ સુધારાત્મક નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel