વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ સમયગાળામાં વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં થનારાં મૃત્યુ 12.5 લાખથી ઘટીને 11.9 લાખ થયાં છે, જે 5%નો ઘટાડો દર્શાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ‘ગ્લોબલ સ્ટેટસ ઓન રોડ સેફ્ટી રીપોર્ટ-23’માં આ આંકડા બહાર આવ્યા છે. તેમાં 108 દેશમાં 2010થી 2021 દરમિયાન થયેલી દુર્ઘટનાઓનો અભ્યાસ કરાયો હતો.
આ કારણે આપણે માર્ગ પર બેકાબૂ
- એનસીઆરબીના અહેવાલ પ્રમાણે 2022માં 72% માર્ગ અકસ્માતો ઓવરસ્પીડને કારણે થયા.
- બીજું મોટું કારણ- રોંગ સાઇડમાં વાહન ચલાવવું. ત્રીજું- દારૂ પીને વાહન ચલાવવું અન ચોથું- ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરવો.
- અડધાથી વધુ દુર્ઘટના હાઈ-વે પર બની જ્યારે રોડ નેટવર્કમાં તેની હિસ્સેદારી 5% જ છે.
- 48 દેશ પર થયેલા સરવેમાં પણ કહેવાયું છે કે વિશ્વમાં 50% દુર્ઘટના ઓવરસ્પીડિંગ અને 16-21% દારૂ પીને ડ્રાઇવિંગ કરવાને કારણે થાય છે.
વિશ્વમાં 30% અકસ્માત કારથી, ભારતમાં 48% ટુ-થ્રી વ્હીલરને કારણે
વિશ્વમાં સૌથી વધુ 30% દુર્ઘટનામાં કારચાલક, 23%માં રાહદારી, 21%માં ટૂ-થ્રી વ્હીલર અને 6%માં સાઇકલસવારોનાં મૃત્યુ થયાં છે. અન્ય વાહનોને કારણે 20% મૃત્યુ થયાં છે. બીજી તરફ દેશમાં સૌતી વધુ 48% ટૂ-થ્રી વ્હીલરચાલકો શિકાર બને છે. દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોમાં કાર અને રાહદારી 15-15%, સાઇકલ સવાર 12% અને અન્ય 10% હતા. વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારા લોકોમાં સૌથી વધુ 28% (3.3 લાખ) હિસ્સેદારી દક્ષિણ પૂર્વ એશિયા રીજિયનની છે. ભારત પણ આ જ વિસ્તારમાં છે. યુરોપીયન રીજિયનમાં સૌથી ઓછી 5% (62,670) મૃત્યુ થયાં. 2010થી 2021 વચ્ચે વિશ્વમાં કારચાલકોનાં મૃત્યુ 1% ઘટ્યા છે.
સૌથી વધુ યુવાનો ભોગ બન્યા
- ડબલ્યુએચઓના અહેવાલ પ્રમાણે 5થી 29 વર્ષના લોકોનાં મૃત્યુનું સૌથી મોટું કારણ માર્ગ અકસ્માત છે. બીજું મોટું કારણ છે-ટીબી.
- માર્ગ પરિવહન મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં 2022 દરમિયાન 9,528 સગીરોએ જીવ ગુમાવ્યો. માર્ગ અકસ્માતના મૃતકોમાં 83.4% લોકો 18-60ની વયજૂથના હતા.
- કેન્દ્રના મતે, દર વર્ષે વ્યવસાયી લોકો માર્ગ અકસ્માતનો ભોગ બનવાને કારણે દેશની જીડીપીને અંદાજે 3% નુકસાન થાય છે.
- 2021 કરતાં 2022માં 12% દુર્ઘટના વધી જ્યારે 9.4% સુધી વધુ મૃત્યુ થયાં.
વિશ્વની 1% કાર પણ જ્યાં નથી ત્યાં દુર્ઘટનાનું જોખમ 3 ગણું વધું
વિશ્વમાં દર 10માંથી 9 માર્ગ અકસ્માત ઓછી કે મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. માર્ગ સલામતી અહેવાલ પ્રમાણે આ દેશો પાસે વિશ્વનાં 1% વાહન પણ નથી છતાં ત્યાં માર્ગ અકસ્માતોનું જોખમ ધનિક દેશો કરતાં ત્રણ ગણું વધુ છે. 2021માં બહાર પડાયેલા વર્લ્ડ બૅન્કના અહેવાલ પ્રમાણે ભારતમાં સમગ્ર વિશ્વની 1% કાર પણ નથી. આમ છતાં વિશ્વના કુલ માર્ગ અકસ્માતોમાં દેશની હિસ્સેદારી 11% છે. એટલું જ નહીં, ઓછી આવકવાળા 75% ભારતીય પરિવારોનું કહેવું છે કે પરિવારમાં એક માર્ગ દુર્ઘટના સર્જાય તો તેમનીઆવક ઘટી જાય છે. 2010થી 2021 વચ્ચે સમગ્ર વિશ્વમાં વાહનોની સંખ્યા 160% સુધી વધી છે.
- વાહન પોર્ટલ પ્રમાણે 15 ડિસેમ્બર, 2023 સુધીમાં દેશમાં અંદાજે 36 કરોડ વાહન છે. અંદાજે 21 કરોડ ટૂ-વ્હીલર અને 7 કરોડ કાર છે.
- યુપી 4.56 કરોડ વાહન સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. મહારાષ્ટ્ર (3.56 કરોડ) બીજા, તમિળનાડુ (3.2 કરોડ) ત્રીજા, કર્ણાટક (3.06 કરોડ) ચોથા ક્રમે છે.