ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યના યુવાઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. લાંબા સમયથી રાહ જોવાતી વર્ગ-3 ક્લાર્ક ભરતીની સત્તાવાર જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ગ્રૂપ-A અને ગ્રૂપ-Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) યોજાશે, જેમાં કુલ 5,000થી વધુ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ગ્રૂપ-A અને ગ્રૂપ-Bમાં કેટલી જગ્યાઓ?
જાહેરાત અનુસાર, ગ્રૂપ-A હેઠળ વિવિધ મહત્વપૂર્ણ પદો માટે કુલ 2,365 જગ્યાઓ જાહેર કરાઈ છે. જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધિક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી), હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવા પદો સામેલ છે. આ સાથે જ ગ્રૂપ-Bમાં જુનિયર ક્લાર્કની કુલ 3,005 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મંડળે સ્પષ્ટતા કરી છે કે જરૂરિયાત મુજબ જગ્યાઓમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.
વયમર્યાદામાં છૂટછાટની જાહેરાત
આ ભરતીમાં સામાન્ય કેટેગરીના પુરૂષ અને મહિલા ઉમેદવારોને 5 વર્ષની વયમર્યાદાની છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર વધારાની છૂટછાટ મળશે, જેનાથી વધુ ઉમેદવારોને તક મળશે.
પગારધોરણ શું રહેશે?
GSSSB દ્વારા જાહેર કરાયેલા પગારધોરણ મુજબ અલગ-અલગ પદો માટે આકર્ષક વેતન આપવામાં આવશે. હેડ ક્લાર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષકને રૂ. 40,800, સિનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્ક અને જુનિયર ક્લાર્કને રૂ. 26,000 જ્યારે કાર્યાલય અધિક્ષકને રૂ. 49,600 માસિક પગાર મળશે. આ પગારધોરણ રાજ્ય સરકારના નિયમો મુજબ રહેશે.
શૈક્ષણિક લાયકાતમાં મોટો ફેરફાર
આ ભરતીમાં સૌથી મોટો બદલાવ શૈક્ષણિક લાયકાતને લઈને કરવામાં આવ્યો છે. અગાઉ જ્યાં 12 પાસ ઉમેદવારો પાત્ર હતા, ત્યાં હવે લઘુતમ લાયકાત ગ્રેજ્યુએશન નક્કી કરવામાં આવી છે. એટલે કે, કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) ઉમેદવાર જ આ ભરતી માટે અરજી કરી શકશે.
પરીક્ષા ફીમાં વધારો, પરંતુ રિફંડ મળશે
મંડળ દ્વારા પરીક્ષા ફી અંગે પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ફી ફરજિયાત રહેશે. બિન અનામત વર્ગના ઉમેદવારોને રૂ. 500 અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો તેમજ SC, ST, SEBC સહિતના અનામત વર્ગના ઉમેદવારોને રૂ. 400 ફી ચૂકવવી પડશે. જોકે, પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને આ ફી સંપૂર્ણપણે રિફંડ કરવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ જાહેર
GSSSB દ્વારા પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ પણ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક પરીક્ષા કુલ 150 માર્કની રહેશે, જેમાં અંગ્રેજી – 15 માર્ક, ગુજરાતી – 15 માર્ક, જનરલ અવેરનેસ અને કરન્ટ અફેર્સ – 30 માર્ક, ક્વાન્ટિટેટિવ એપ્ટિટ્યુડ – 30 માર્ક અને રિઝનિંગ – 60 માર્કનો સમાવેશ થાય છે.
પ્રાથમિક પરીક્ષામાં ઓછામાં ઓછા 40 ટકા માર્ક મેળવવા જરૂરી રહેશે. જે ઉમેદવારો આ મર્યાદા પાર કરશે તેઓ મુખ્ય પરીક્ષા માટે પાત્ર ગણાશે. મુખ્ય પરીક્ષા પણ MCQ આધારિત જ રહેશે.
રાજ્ય સરકારની સ્થિર નોકરી, આકર્ષક પગાર અને પારદર્શક પસંદગી પ્રક્રિયાને કારણે આ ભરતી હજારો ઉમેદવારો માટે સુવર્ણ તક બની છે. આવનાર દિવસોમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા અને પરીક્ષા તારીખ અંગેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel