‘વંદે માતરમ’ ગીતની 150મી વર્ષગાંઠના ઉપલક્ષમાં તેની ગુંજ અને ભાવના પ્રતિબિંબિત કરતી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, બદલાતી તાસીર અને ઐતિહાસિક વિકાસની રોચક રજૂઆત 77મા પ્રજાસત્તાક પર્વે રજૂ થનારા ગુજરાતના ટેબ્લોની મુખ્ય વિશેષતા બની છે. આ ટેબ્લો ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી શરૂ થઈને સ્વતંત્ર ભારતના ત્રિરંગા સુધીની યાત્રાને કલાત્મક અને વિચારપ્રેરક રીતે રજૂ કરે છે. સાથે સાથે, ગુજરાતની ધરતી પર જન્મેલા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા અને વિદેશની ભૂમિ પરથી ભારતીય સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવનાર વીરાંગના મેડમ ભિખાઈજી કામાની યશોગાથા પણ આ ટેબ્લોમાં જીવંત બને છે. મેડમ કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની કથા, મહાત્મા ગાંધીના ‘ચરખા’ દ્વારા સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંદેશ સાથે જોડાઈને આજના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન સાથે સુંદર સંકલન રચે છે.
ટેબ્લોના અગ્રભાગમાં મેડમ ભિખાઈજી કામાને તેમના સ્વરચિત ‘વંદે માતરમ’ ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા છે, જે તેમણે 1907માં પેરિસમાં સૌપ્રથમ વખત વિદેશી ભૂમિ પર લહેરાવ્યો હતો અને બાદમાં જર્મનીના બર્લિન સ્થિત સ્ટુટગાર્ટમાં યોજાયેલી ‘ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સ’માં રજૂ કર્યો હતો. તેમની અર્ધપ્રતિમાની નીચે ભારતના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષાઓમાં ‘વંદે માતરમ’ લખાણ દર્શાવવામાં આવ્યું છે.
ટેબ્લોના મધ્યભાગમાં રાષ્ટ્રધ્વજની વિકાસયાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે 1906માં કોલકાતાના પારસી બાગાનથી શરૂ થાય છે, જ્યાં સ્વદેશી ચળવળ દરમિયાન ‘વંદે માતરમ’ લખેલો ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ 1907માં મેડમ કામાનો ધ્વજ, 1917માં એની બેસન્ટ અને લોકમાન્ય તિલકનો હોમરુલ ધ્વજ, 1921માં પીંગળી વેંકૈયાનો નવી ડિઝાઇનવાળો ધ્વજ અને 1931માં ચરખાવાળો ત્રિરંગો—આ તમામ પડાવોને ઐતિહાસિક સંદર્ભ સાથે રજૂ કરવામાં આવ્યા છે. અંતે 22 જુલાઈ 1947ના રોજ મધ્યમાં ધર્મચક્ર ધરાવતા ત્રિરંગાને બંધારણ સભાએ સ્વીકૃતિ આપેલી ક્ષણ પણ દર્શાવવામાં આવી છે.
ટેબ્લોના અંતિમ ભાગમાં મહાત્મા ગાંધીનું શિલ્પ ચરખા અને વિશાળ ધર્મચક્ર સાથે રજૂ થયું છે, જે સ્વદેશી, આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના મૂલ્યોને ઉજાગર કરે છે. આ મૂલ્યોને આજના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગળ વધારવામાં આવી રહેલા પ્રયાસો સાથે જોડીને દર્શાવવામાં આવ્યા છે. સાથે જ, સ્વતંત્રતાની લડાઈમાં ખપેલા વીર સપૂતોને યાદ અપાવતા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે કલાકારોની જુસ્સાદાર રજૂઆત ટેબ્લોને વધુ પ્રભાવશાળી બનાવે છે.
આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 13 ઝાંખીઓ સહિત કુલ 30 ટેબ્લો રજૂ થશે. પ્રાપ્ત માહિતી મુજબ, 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના બે વરિષ્ઠ નેતા—યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા—મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા રજૂ થતી આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિકાંત પાંડે, માહિતી કમિશ્નર કિશોર બચાણી અને અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શન હેઠળ સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ તથા નાયબ માહિતી નિયામક ભાવના વસાવાનું મહત્વપૂર્ણ યોગદાન છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel