રાજકોટ શહેરમાં સોમવારે (23 ફેબ્રુઆરી) ઐતિહાસિક ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર બનાવાયેલા 1489 ગેરકાયદેસર મકાનો તોડી પાડવા માટે આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી રાજકોટના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન માનવામાં આવી રહ્યું છે.
87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે
મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આજી નદી પટની અંદાજે 55,000 ચોરસ મીટર અને ટી.પી. રોડની 32,000 ચોરસ મીટર જમીન મળી કુલ 87,000 ચોરસ મીટર વિસ્તાર ગેરકાયદેસર બાંધકામમાંથી મુક્ત કરાશે. તંત્રએ જણાવ્યું છે કે આ વિસ્તાર પૂરપ્રવણ છે અને ચોમાસા દરમિયાન જાનમાલનું જોખમ રહેતું હોવાથી કાર્યવાહી અનિવાર્ય બની હતી.
1130 કર્મચારીઓ અને 2500થી વધુ પોલીસ જવાનો તહેનાત
ઓપરેશન માટે વિશાળ તંત્ર તહેનાત કરવામાં આવ્યું છે:
-
1130થી વધુ મનપા કર્મચારીઓ (એપ્રન અને હેલમેટ સાથે)
-
260થી વધુ વાહનો – જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ
-
2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23 થી 25 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. ઉપરાંત 26 ફેબ્રુઆરી સુધી ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના વિરોધ અથવા કાંકરીચાળા સામે તાત્કાલિક ધરપકડના આદેશો આપવામાં આવ્યા છે.
વૈકલ્પિક આવાસ નહીં અપાય: તંત્રનો સ્પષ્ટ સંદેશ
મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારમાં રહેવાસીઓને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેના વીડિયો પુરાવા પણ જાહેર કરાયા છે. આથી, હાલના ઓપરેશન દરમિયાન કોઈ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં.
રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારો સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી ચૂક્યા છે. છતાં અનેક પરિવારોમાં ગમગીની અને આક્રોશનો માહોલ છે.
ડિમોલિશન કેમ બન્યું અનિવાર્ય?
તંત્રના જણાવ્યા મુજબ:
- વિસ્તારની ગલીઓ અત્યંત સાંકડી હોવાથી દુર્ઘટના સમયે બચાવ કાર્ય અશક્ય બને છે
- ચોમાસામાં આજી નદી ના પૂરના કારણે દર વર્ષે જોખમ
- કેટલાક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વિસ્તાર સંવેદનશીલ
છેલ્લા ત્રણ દિવસથી મનપાની ટીમોની સતત હાજરીને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. અનેક પરિવારો આંસુઓ સાથે ઘરનો સામાન હટાવી રહ્યા છે, જ્યારે કેટલીક મહિલાઓ અને બાળકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે.
સોમવારે સવારે 8 વાગ્યાથી બુલડોઝર ગર્જવાનું શરૂ થશે, જે અંદાજે ત્રણ દિવસ સુધી ચાલવાની શક્યતા છે. તંત્રએ લોકોને શાંતિ જાળવવાની અને કાયદો-વ્યવસ્થા ભંગ ન કરવાની અપીલ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel