ભારતના સમુદ્રવિશે વધતા વ્યૂહાત્મક મહત્વ અને ભારતીય નૌકાદળની ઊર્જાવાન હાજરીને વધુ મજબૂત બનાવવા માટે મુંબઈ સ્થિત ‘મઝગાંવ-ડોક-શિપબિલ્ડર્સ લિમિટેડ’ (MDL) દ્વારા રૂ. 4000 થી 5000 કરોડની વિશાળ વિસ્તરણ યોજના અમલમાં મૂકી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌસેના દ્વારા અરબી સમુદ્રમાં દર્શાવેલી આક્રમકતા અને ક્ષમતા એ વિશ્લેષકોને ચકિત કરી હતી. એ જ પૃષ્ઠભૂમિમાં ભારત હવે પોતાના યુદ્ધ જહાજો તથા સબમરીનનું નિર્માણ અને સંખ્યા બંનેમાં વધારો કરવા પ્રયત્નશીલ છે. હાલ ભારતીય નૌસેના અરબી સમુદ્રમાં સૌથી વધુ સબળ નૌકાદળ માનવામાં આવે છે.
વિસ્તારની યોજનામાં MDLએ તેના હાલના મુંબઈ કેમ્પસ ઉપરાંત અન્ય બે નવા બેસિન્સનું નિર્માણ શરૂ કર્યું છે, જે વધુ મોટાં યુદ્ધજહાજો અને સબમરીનના નિર્માણ અને સમારકામ માટે ઉપયોગી રહેશે. આ હેતુસર કંપનીએ 10 મરીન એકર ક્ષેત્ર હસ્તગત કર્યો છે. પરિણામે MDLની વર્તમાન ડેડ વેઇટ ક્ષમતા 40,000 ટનમાંથી વધીને 80,000 ટન થઈ જશે. ઉલ્લેખનીય છે કે, કંપનીનો લાંગટર્મ લક્ષ્ય 2 લાખ ટનની ક્ષમતા હાંસલ કરવાનો છે, જે માટે MDLએ નવ્હા-શેવા પોર્ટથી 37 મરીન એકર તથા મુંબઈ પોર્ટ ઓથોરિટી પાસેથી 15 મરીન એકરનો વિસ્તાર 29 વર્ષની લીઝ પર મેળવ્યો છે.
આ સમગ્ર વિસ્તરણના કારણે હવે MDL પાસે એક સાથે 11 સબમરીન અને 10 વોરશિપ્સ બાંધવાની ક્ષમતા છે. હાલમાં કંપની દ્વારા બે વિશાળ સબમરીન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેનો કુલ ખર્ચ રૂ. 1.06 લાખ કરોડ છે. આ પ્રોજેક્ટ્સ ભારતની અન્ડર-સી વોરફેર ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. જોકે આ બધાં પ્રયાસો છતાંય ભારતનો નૌકાદળ ઉદ્યોગ હજી પણ ચીન કરતાં પીછેહઠ પર છે. ચીન પાસે હાલમાં અંદાજે 350 યુદ્ધ જહાજો છે, જ્યારે ભારત એની સરખામણીએ સંખ્યાબળે ઓછું છે.
તેથી અહીં યાદ રાખવું જરૂરી છે કે માત્ર સંખ્યાબળ, ટેક્નોલોજી કે યુદ્ધજહાજોની વિશાળતા જ યૂદ્ધ જીતવાનું નક્કી કરતી નથી. યૂદ્ધ જીતવા માટે રણનીતિ, વ્યૂહરચના, સૈનિકોની પ્રતિબદ્ધતા અને સુકાનીય બુદ્ધિ મહત્ત્વ ધરાવે છે. ઇતિહાસમાં તેના અનેક દાખલા છે — જેમ કે હોરેશિયો નેલ્સને જીબ્રાલ્ટર ગલ્ફમાં વિશાળ સ્પેનિશ નૌકાદળને મર્યાદિત સંસાધનો છતાં પણ હરાવ્યું હતું. આજે પણ તેની પ્રતિમા લંડનના ટ્રાફલ્ગર સ્કવેરમાં છે — જે એવા વ્યૂહશક્તિશાળી નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે.
મઝગાંવ-ડોક લિમિટેડ (MDL) 2025માં તેના સ્થાપનાના 250માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. તેની સ્થાપના 1774માં થઈ હતી અને 1960માં ભારત સરકાર દ્વારા તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેના શેર ‘President of India’ના નામે છે. આજ સુધીમાં MDLએ કુલ 800 જેટલાં જહાજોનું નિર્માણ કર્યું છે જેમાં 31 વિશાળ યુદ્ધજહાજો અને 8 સબમરીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત MDLએ 214 યુદ્ધજહાજો વિદેશી નૌકાદળોને નિકાસ કર્યાં છે, જે ભારતીય શિપબિલ્ડિંગ ઉદ્યોગની નિકાસ ક્ષમતા દર્શાવે છે.
હાલમાં MDL દર વર્ષે 175 કેપિટલ શિપ્સ, એટલે કે મોટા યુદ્ધજહાજો બનાવે છે. જોકે હજુ પણ કેટલાક વિશિષ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને તકનીકી ઘટકો વિદેશથી આયાત કરવામાં આવે છે. સરકાર અને નૌકાદળ બંનેની લક્ષ્યરેખા છે કે 2097 સુધીમાં ભારતીય નૌકાદળ સંપૂર્ણપણે આત્મનિર્ભર બને અને તમામ પ્રકારનાં યુદ્ધજહાજો અને સબમરીન દેશભરમાં જ નિર્મિત થાય. આ દિશામાં MDLની હાલની યોજના અને વિસ્તરણ ભારતને નૌકાદળ શક્તિમાં વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.