દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેમજ પુત્ર તેજસ્વી યાદવ સામે ગંભીર આરોપો ઘડવાનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટના આદેશ અનુસાર, લાલુ યાદવ પર સરકારી પ્રતિનિધિ તરીકે પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરમાર્ગે દોરવાનો (ક્રિમિનલ મિસકન્ડક્ટ) અને છેતરપિંડીનું ષડયંત્ર રચવાનો (ક્રિમિનલ કન્સ્પિરસી ટુ કમિટ ચીટિંગ) આરોપ છે, જ્યારે રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે સીધી છેતરપિંડી તથા ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે.
આ કેસ વર્ષ 2004-2005નો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના આરોપ મુજબ, લાલુ યાદવે રાંચી (ઝારખંડ) અને પુરી (ઓડિશા) સ્થિત બીએનઆર હોટલના કોન્ટ્રાક્ટ આપતી વખતે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને પ્રક્રિયાને પોતાના પરિવારના ફાયદા માટે વળગાડી હતી. તપાસમાં જાણવા મળ્યું કે હોટલ કોન્ટ્રાક્ટના બદલામાં લાલુ પરિવારને જમીન અને અન્ય આર્થિક લાભ મળ્યા હતા.
આ કેસને ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડ સાથે પણ જોડવામાં આવે છે, જેમાં લાલુ પરિવાર પર રેલવેમાં નોકરીઓના બદલે જમીન લેવાના આરોપો છે. આજે જ્યારે આ કેસની સુનાવણી થઈ ત્યારે લાલુ યાદવ વ્હીલચેર પર બેસીને કોર્ટમાં હાજર રહ્યા હતા. તેઓ અને તેમના પરિવારના સભ્યો હાલમાં દિલ્હીમાં પુત્રી મીસા ભારતીના નિવાસસ્થાને રોકાયેલા છે.
કોર્ટના જજ વિશાલ ગોગનેએ સ્પષ્ટ કર્યું કે પ્રાથમિક પુરાવા આરોપોને સમર્થન આપે છે અને તેથી હવે કેસની નિયમિત સુનાવણી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય બિહારના રાજકીય પરિસ્થિતિ પર સીધો પ્રભાવ પાડે તેવી શક્યતા છે, કારણ કે હાલ રાજ્યમાં ચૂંટણી પૂર્વનો રાજકીય માહોલ ગરમાયો છે. આ કેસના કારણે લાલુ પરિવાર માટે કાનૂની અને રાજકીય રીતે નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel