માલદીવ્સની યાત્રા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ વિવાદ ઉભો થયો છે. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના સાળા અને સલાફી સંગઠન ‘જમિયતુલ સલાફ’ના નેતા અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમે પીએમ મોદીને આતંકવાદી કહેતા અને ઇસ્લામના દુશ્મન તરીકે રજૂ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે મોદી પર બાબરી મસ્જિદ તોડાવવાનો આરોપ મુકતા કહ્યું હતું કે તેમણે “જૂની મુસ્લિમ જમીનો લૂંટી લીધી છે અને અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવી દીધું છે.” અબ્દુલ્લાએ કહ્યુ કે મોદીને માલદીવ્સમાં આમંત્રણ આપવી એ એક મોટી ભૂલ છે. જોકે વિવાદ વધતા બાદ આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી અને માલદીવ્સ સરકારે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
પીએમ મોદીની 25-26 જુલાઈની માલદીવ્સ યાત્રા તેમની ત્રીજી મુલાકાત હશે. તેઓ 26 જુલાઈએ માલદીવ્સના સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાઓમાં પણ ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન વેપાર, દરિયાઈ સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર સહયોગ મજબૂત બનાવાશે.
માલદીવ્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે વડાપ્રધાન મોદીની યાત્રાનું સમર્થન કરતાં કહ્યું કે ભારતે સમયસર સહાય આપી ન હોત તો માલદીવ્સની અર્થવ્યવસ્થા ડિફોલ્ટ થઈ ગઈ હોત. તેમણે જણાવ્યું કે ભારતે અનાજ, ઇંધણ અને ક્રેડિટ લાઇન આપી ને માલદીવ્સને મોટું સહારો આપ્યો હતો.
આ વિવાદ મોદીની મુલાકાત પૂર્વે માલદીવ્સ – ભારતના સંબંધોમાં દ્વિધા સર્જે છે, જ્યારે બંને દેશો વચ્ચે સહયોગ વધારવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.