નડિયાદમાં પેટ પકડીને હસાવતા ગુજરાતી ભાષાના સૌ પ્રથમ હાસ્યનાટકની અનોખી રજુઆત થવા જઈ રહી છે, દોઢસો વર્ષ પહેલા લખાયુ હોવા છતા આજે પણ તરોતાજા લગતા આ નાટક વિશે ગુજરાતના જાણીતા નાટ્યવિદ્ મહેન્દ્રસિંહ પરમાર ભાવનગરથી આ નાટકનો રસાસ્વાદ કરાવવા પધારશે.
ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં યોજાશે ‘મિથ્યાભિમાન’ પુસ્તકના રસાસ્વાદનો કાર્યક્રમ નડિયાદની સવાસો વર્ષ પુરાણી અ.સૌ. ડાહીલક્ષ્મી લાઈબ્રેરી લોકોમાં સાહિત્યાનુરાગ કેળવવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરતી આવી છે. અનેક વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે એ તેની વિશેષતા છે. દસેક વર્ષથી પ્રત્યેક માસના પ્રથમ રવિવારે ‘ગ્રંથનો પંથ’ કાર્યક્રમ નિયમીતપણે યોજાતો આવ્યો છે, જેમાં કેવળ નડિયાદના જ નહીં, આસપાસના ગામ-નગરમાંના અનેક સાહિત્યરસિકો ઉપસ્થિત રહે છે. તેમાં નિમંત્રીત વક્તા દ્વારા કોઈ એક કૃતિનો પરિચય કરાવવામાં આવે છે. પુસ્તકપરિચયની આ અનોખી શ્રેણીના 105મા મણકા અંતર્ગત વક્તવ્યનું આયોજન રવિવાર તા.3 ડિસેમ્બર, 2023ના રોજ સવારના 9.30 કલાકે કરવામાં આવ્યું છે.
ગુજરાતીના સૌ પ્રથમ હાસ્યનાટક કહી શકાય એવા, કવીશ્વર દલપતરામ લિખીત ‘મિથ્યાભિમાન’નો આસ્વાદ ભાવનગરના મહેન્દ્રસિંહ પરમાર દ્વારા કરાવવામાં આવશે. પેટ પકડીને હસાવતું આ નાટક દાયકાઓ પહેલાં લખાયું હોવા છતાં આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આવી અદ્ભુત કૃતિના આસ્વાદ માટે ઉપસ્થિત રહેવા સૌને નિમંત્રણ છે. કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક છે.