છેલ્લા લાંબા સમયથી બંધ અને વિવાદમાં રહેલા અમદાવાદના સુભાષ બ્રિજ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની બદલે તેને રીપેર અને રિસ્ટોર કરીને મજબૂત બનાવવામાં આવશે તેમજ તેની બંને બાજુ બે-બે લેનના નવા બ્રિજનું નિર્માણ કરીને રસ્તાને વધુ પહોળો બનાવાશે.
AMCની જાહેરાત અનુસાર, હાલના સુભાષ બ્રિજની બંને તરફ નવી લેન એક્સટેન્ડ કરવામાં આવશે અને સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહનચાલકોને કુલ 36 મીટર પહોળો ભવ્ય બ્રિજ મળશે, જેના કારણે ઉત્તર અને મધ્ય અમદાવાદ વચ્ચેનું ટ્રાફિક દબાણ મોટા પ્રમાણમાં ઘટશે અને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. પ્રોજેક્ટ બે ફેઝમાં હાથ ધરાશે, જેમાં પ્રથમ ફેઝમાં હાલના બ્રિજના સુપરસ્ટ્રક્ચરને સંપૂર્ણ રીતે દૂર કરીને 38 મીટર સ્પાન મુજબ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર આધારિત નવું સુપરસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે અને હયાત પીયરને માઇક્રો કોન્ક્રીટ જેકેટિંગ દ્વારા મજબૂત બનાવાશે.
બીજા ફેઝમાં હાલના બ્રિજની બંને બાજુ એક જ લેવલે નવા બે-બે લેનના બ્રિજ બનાવાશે, જેમાં ફાઉન્ડેશનથી લઈને સુપરસ્ટ્રક્ચર સુધીની તમામ કામગીરી નવેસરથી કરવામાં આવશે. સમગ્ર કામગીરી EPC મોડ હેઠળ કરવામાં આવશે અને તેના માટે અંદાજિત રૂ. 250 કરોડની બેઝિક કોસ્ટ સાથે સંયુક્ત ટેન્ડર મંગાવવાની યોજના છે. AMCએ અમદાવાદીઓને લાંબા સમય સુધી મુશ્કેલી ન પડે તે માટે આક્રમક ટાઇમલાઇન નક્કી કરી છે, જેમાં આગામી સોમવારે ટેન્ડર બહાર પાડીને વર્ક ઓર્ડર મળ્યા બાદ 9 મહિનામાં સમગ્ર કામ પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
નિષ્ણાતોના મતે બ્રિજને તોડી નાંખવાની બદલે રિસ્ટોરેશન અને એક્સટેન્શન કરવાથી બ્રિજનું આયુષ્ય વધશે તેમજ વાહનવ્યવહાર માટે વધુ જગ્યા મળશે, ખાસ કરીને સાબરમતી અને આસપાસના વિસ્તારોના ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 36 મીટર પહોળાઈનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં બ્રિજમાં તિરાડો પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવતાં સલામતીના કારણોસર તેને બંધ કરવો પડ્યો હતો, ત્યારબાદ AI અને જર્મન ટેક્નોલોજી આધારિત હાઈટેક સર્વે કરવામાં આવ્યો અને નિષ્ણાત એજન્સીઓના અહેવાલના આધારે આજનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો.
કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજ માટે ત્રણ વિકલ્પો સૂચવ્યા હતા, જેમાં આખો બ્રિજ તોડી નવો બનાવવો, વધારાના પિલર દ્વારા ટેકો આપવો અને હાલનું સ્ટ્રક્ચર હટાવી સ્ટીલ સ્ટ્રક્ચર બનાવવાનો સમાવેશ થાય છે. જો કે 50 વર્ષ જૂના બ્રિજને તોડીને નવો બનાવવો લાંબા ગાળે શ્રેષ્ઠ માનવામાં આવતું હતું, પરંતુ સાબરમતી નદીમાં સતત પાણી હોવાને કારણે તે વિકલ્પમાં દોઢથી બે વર્ષનો સમય લાગતો અને ટેકનિકલ પડકારો વધુ હોવાથી AMCએ મધ્યમ માર્ગ અપનાવી રિસ્ટોરેશન સાથે એક્સટેન્શનનો નિર્ણય લીધો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel