વર્ષ 2025નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ત્રણ વિખ્યાત અર્થશાસ્ત્રીઓ — જોએલ મોકિર, ફિલિપ અધિયન, અને પીટર હૉવિટ —ને એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ જણાવ્યું કે આ ત્રણેય વિજેતાઓએ પોતાના સંશોધન દ્વારા દર્શાવ્યું છે કે નવતરતા (Innovation) આર્થિક વિકાસ માટે કેટલું મહત્વપૂર્ણ તત્વ છે. તેમણે બતાવ્યું છે કે ટેક્નોલોજી અને ઇનોવેશનની પ્રક્રિયા સતત બદલાતી રહે છે અને તે દેશોની ઉત્પાદન ક્ષમતા, રોજગાર, આવક અને જીવનસ્તર પર સીધી અસર કરે છે. તેમના અભ્યાસ મુજબ, જ્યારે સમાજમાં નવી શોધો અને ટેક્નોલોજીકલ પ્રગતિને પ્રોત્સાહન મળે છે, ત્યારે તે લાંબા ગાળાના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે પાયો પુરે છે.
બીજી તરફ, ગયા વર્ષે એટલે કે 2024માં અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ડેરૉન ઐસમૉગ્લૂ, સાયમન જૉનસન, અને જેમ્સ એ. રૉબિન્સનને આપવામાં આવ્યો હતો. તેમના સંશોધનમાં તેમણે સમજાવ્યું હતું કે કેમ અમુક દેશો ધનિક બને છે જ્યારે કેટલાક ગરીબીમાં અટવાઈ જાય છે. તેમના અભ્યાસ પ્રમાણે, રાજકીય અને આર્થિક સંસ્થાઓની સ્વતંત્રતા, ખુલ્લો બજાર, અને નાગરિક અધિકારનું રક્ષણ એ સમૃદ્ધ દેશોનું રહસ્ય છે. તેમણે જણાવ્યું હતું કે જે દેશોમાં નવીનતા અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે, ત્યાં વિકાસની ગતિ વધુ ઝડપી રહે છે.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2025 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Joel Mokyr, Philippe Aghion and Peter Howitt “for having explained innovation-driven economic growth” with one half to Mokyr… pic.twitter.com/ZRKq0Nz4g7
— The Nobel Prize (@NobelPrize) October 13, 2025
અર્થશાસ્ત્રનો નોબેલ જાહેર થવાથી આ વર્ષના તમામ નોબેલ પુરસ્કારોની જાહેરાત પૂર્ણ થઈ ગઈ છે. દર વર્ષે આ પ્રતિષ્ઠિત સમારંભ 10 ડિસેમ્બરના રોજ યોજાય છે, કારણ કે એ જ દિવસે આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ આવે છે. નોબેલ, જે સ્વીડિશ ઉદ્યોગપતિ અને ડાયનેમાઇટના શોધક હતા, તેમણે પોતાના મૃત્યુ પૂર્વે આ પુરસ્કાર વ્યવસ્થા માટે સંપત્તિ ફાળવી હતી જેથી માનવજાતના હિત માટે કાર્ય કરનાર વૈજ્ઞાનિકો, સાહિત્યકારો અને શાંતિપ્રેમીઓને સન્માનિત કરી શકાય.
દરેક નોબેલ વિજેતાને પુરસ્કાર સ્વરૂપે 1.1 કરોડ સ્વીડિશ ક્રોનર (લગભગ 12 લાખ અમેરિકન ડૉલર)ની રોકડ રકમ, 18 કેરેટનું સોનાનું મેડલ, અને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સાથે તેમને સ્ટોકહોમમાં યોજાતા ભવ્ય સમારંભમાં વિશ્વભરના મહાનુભાવોની હાજરીમાં સન્માનિત કરવામાં આવે છે.
અન્ય પુરસ્કારોની વાત કરીએ તો, રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર આ વર્ષે સુસુમુ કિતાગાવા, રિચર્ડ રૉબ્સન, અને ઉમર એમ. યાઘીને એનાયત કરવામાં આવ્યો હતો, જેમણે મોલિક્યુલર સ્ટ્રક્ચર અને મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક્સ ક્ષેત્રે નવી શોધો કરીને રાસાયણિક વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી હતી. ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર જૉન ક્લાર્ક, માઇકલ એચ. ડેવોરેટ, અને જૉન એમ. માર્ટિનિસને આપવામાં આવ્યો, જેઓએ ક્વોન્ટમ મિકેનિક્સ અને સુપરકન્ડક્ટિંગ ક્યુબિટ્સના ક્ષેત્રમાં અદભૂત પ્રગતિ હાંસલ કરી હતી.
તે ઉપરાંત, શાંતિનો નોબેલ પુરસ્કાર આ વર્ષે વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને એનાયત કરવામાં આવ્યો છે, જેમણે પોતાના દેશમાં લોકશાહી અને માનવ અધિકારો માટેના સંઘર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ રીતે, વર્ષ 2025ના નોબેલ પુરસ્કારો વૈશ્વિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને માનવતાના ક્ષેત્રોમાં નવી દિશા આપનાર અને વિશ્વને પ્રેરણા આપનાર વ્યક્તિઓને સમર્પિત છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel