દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં 5 ઑક્ટોબરના રોજ 11મી શરીફની ઈદ નિમિત્તે કાઢવામાં આવેલા જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા પ્રદર્શિત થવાના બનાવે તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાક વિડિઓઝ સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસે તરત જ દખલ કરીને ઝંડા દૂર કર્યા હતા અને સમગ્ર મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. અહેવાલ મુજબ, જુલૂસમાં અમુક વ્યક્તિઓએ પેલેસ્ટાઇનના ઝંડા લાવી બાળકોને આપ્યા હતા, જેઓએ તેને ઉંચક્યા હતા. આ દરમિયાન ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર તથા ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવા નારા લગાવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો થયા છે, જેના કારણે સ્થિતિ વધુ તંગ બની હતી.
પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને સ્વયં ફરિયાદી બનીને કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળિયા પોલીસ મથકના PSI યુ.કે. જાદવની ફરિયાદના આધારે આમદ અબ્દુલ રૂખડા નામના શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝંડા લાવનાર પણ તે જ હતો અને પછી કેટલાક નાબાલિગોને આપીને પ્રદર્શન કરાવ્યા હતા. પોલીસે આ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) કલમ 35 મુજબ નોટિસ પાઠવી છે, પરંતુ હાલ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ બનાવને લઈને વિસ્તારના લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને પોલીસ સતત દેખરેખ રાખી રહી છે જેથી સ્થિતિ કાબૂમાં રહે અને કોઈ પ્રકારની અશાંતિ ન ફેલાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel