અમેરિકામાં શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકન તપાસ એજન્સીઓ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. મળતી માહિતી મુજબ, તેણે યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA)ને જણાવ્યું છે કે કેનેડામાં હત્યા કરાયેલા ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર પણ તેની હિટલિસ્ટમાં સામેલ હતો. જોકે, તેની યોજના અમલમાં મુકાય તે પહેલાં જ અજાણ્યા હુમલાખોરોએ નિજ્જરની હત્યા કરી નાખી હતી. અહેવાલો અનુસાર, નિખિલ ગુપ્તાએ પોતાના પર લગાવાયેલા અનેક આરોપોનો સ્વીકાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પન્નુ અને નિજ્જર વચ્ચેના સંબંધ પર પ્રકાશ
હરદીપ સિંહ નિજ્જર, જે ભારતમાંથી ફરાર થઈ કેનેડાની નાગરિકતા મેળવી હતી, તેની 18 જૂન 2023ના રોજ બ્રિટિશ કોલંબિયામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે તેને અગાઉથી જ આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો હતો. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના દસ્તાવેજો મુજબ, નિખિલ ગુપ્તાએ કબૂલ્યું છે કે તેના નિશાન પર અનેક વ્યક્તિઓ હતા, જેમાં નિજ્જર પણ સામેલ હતો. તપાસ દરમિયાન પન્નુ અને નિજ્જર વચ્ચે સતત સંપર્ક હોવાનો દાવો પણ સામે આવ્યો છે.
ગુરપતવંત સિંહ પન્નુ વિદેશમાં રહેીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચલાવતો હોવાનું ભારતીય એજન્સીઓનું કહેવું છે અને તે પંજાબને અલગ કરીને ‘ખાલિસ્તાન’ બનાવવાના અભિયાન સાથે જોડાયેલો છે. અમેરિકન વકીલોના દાવા મુજબ, નિખિલ ગુપ્તાને એવી સૂચના આપવામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન પન્નુ પર હુમલો ન કરવો. નોંધનીય છે કે જૂન 2023માં મોદીની અમેરિકા મુલાકાતના માત્ર બે દિવસ પહેલા જ નિજ્જરની હત્યા થઈ હતી.
ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ અને કોર્ટ કાર્યવાહી
નિખિલ ગુપ્તાને જૂન 2024માં ચેક રિપબ્લિકમાંથી અમેરિકા લાવવામાં આવ્યો હતો અને મેનહેટન ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેણે પોતાની જાતને નિર્દોષ ગણાવી હતી, પરંતુ હવે તપાસમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. અમેરિકાની વિનંતી પર ન્યૂયોર્કમાં પન્નુની હત્યાનું કાવતરું રચવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા બંને દેશોની નાગરિકતા છે.
હત્યા માટે મોટી રકમની ડીલનો દાવો
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ મુજબ, નિખિલ ગુપ્તા ભારત અથવા અન્ય જગ્યાઓથી મળતી સૂચનાઓના આધારે કામ કરતો હતો. આ કાવતરામાં વિકાસ યાદવ નામની વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ભારત સરકારનો કર્મચારી તરીકે દર્શાવવામાં આવ્યો છે. આરોપ છે કે યાદવના કહેવા પર ગુપ્તા શાર્પશૂટર્સ સાથે સંપર્કમાં હતો. તપાસ મુજબ પન્નુની હત્યા માટે ગુપ્તાને 1 લાખ ડોલર આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને જૂન 2023માં 15 હજાર ડોલર એડવાન્સ આપવામાં આવ્યા હતા. તેને ટાર્ગેટનું સરનામું અને ફોન નંબર જેવી અંગત માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. અંતે 30 જૂન 2023ના રોજ ચેક રિપબ્લિકમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય રાજનૈતિક પરિસ્થિતિ પર અસર
આ કેસ ભારત, અમેરિકા અને કેનેડા વચ્ચેના રાજનૈતિક સંબંધો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel