વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના આરોગ્યને સમર્પિત વિશાળ અભિયાન ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’ (Swasth Nari, Sashakt Parivar Abhiyaan) શરૂ કરવા જઈ રહ્યા છે. આ અભિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સંયુક્ત પ્રયાસથી અમલમાં આવશે. તેનો મુખ્ય હેતુ મહિલાઓ, કિશોરીઓ અને બાળકો સુધી આરોગ્યસંભાળની સુવિધાઓ સરળતાથી પહોંચાડવાનો, તેમને મફત સારવાર તથા જરૂરી જાગૃતિ આપવાનો છે. આ અભિયાનને વિશ્વસ્તરના સૌથી મોટા આરોગ્ય અભિયાન તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તેમાં સરકાર તથા ખાનગી ક્ષેત્ર બંનેનો વ્યાપક સહયોગ સામેલ છે.
અભિયાનનો વ્યાપ અને સમયગાળો
આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી રાષ્ટ્રીય સ્તરે ચાલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં એક લાખથી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે. જેમાં આશા કાર્યકરો, ANM, આંગણવાડી કાર્યકરો, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અનેક સામાજિક સંસ્થાઓ સક્રિય રીતે ભાગ લેશે. સાથે જ ખાનગી હોસ્પિટલ અને હેલ્થ સર્વિસ પ્રોવાઇડરોને પણ જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કારણે, મહિલાઓ અને બાળકોને આરોગ્ય સંભાળની ઉપલબ્ધતા, ગુણવત્તા અને પહોંચમાં ઐતિહાસિક વધારો થશે.
Hon’ble Prime Minister Shri @NarendraModi ji will launch the Swasth Nari Sashakt Parivar Abhiyaan on 17th September 2025. This initiative aims to strengthen healthcare services for women and children across India, ensuring better access, quality care, and awareness.
As part of… pic.twitter.com/IkmMtlW3NE
— Jagat Prakash Nadda (@JPNadda) September 8, 2025
સેવા અને તપાસની સુવિધાઓ
આ અભિયાન હેઠળ અસંક્રમક રોગો જેવી કે ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, સ્થૂળતા વગેરેની મફત તપાસ અને સારવાર થશે. મહિલાઓ માટે ખાસ કરીને સ્તન કેન્સર, ગર્ભાશય ગ્રીવા કેન્સર (Cervical Cancer) અને મોંના કેન્સરની સ્ક્રિનિંગ કરાશે. કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે અનિમિયા સ્ક્રિનિંગ તથા કાઉન્સેલિંગની વ્યવસ્થા થશે. સિકલ સેલ રોગની સ્ક્રિનિંગ, ક્ષયરોગ (TB) ની તપાસ અને સારવાર, તેમજ માતા અને બાળકોમાં થતી વિવિધ બીમારીઓની સારવાર પણ અભિયાન હેઠળ કરવામાં આવશે.
સાથે જ સગીરાઓ માટે માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે, પોષણ પર ભાર મુકવામાં આવશે અને પૌષ્ટિક આહારની પ્રથા વિકસાવવા માટે આંગણવાડી કેન્દ્રો પર પોષણ મેળા અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા બાળકો અને કિશોરીઓમાં સ્વસ્થ જીવનશૈલી વિકસાવવામાં મદદ મળશે.
અમદાવાદમાં ખાસ સુવિધાઓ
અમદાવાદમાં આ અભિયાન હેઠળ વિશાળ પાયે આરોગ્ય સેવાઓ શરૂ થશે. SVP હોસ્પિટલમાં OPD સેવાઓ નિઃશુલ્ક રહેશે અને મેમોગ્રાફી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. શારદાબેન હોસ્પિટલમાં મેમોગ્રાફી ટેસ્ટ મફતમાં કરાશે. LG હોસ્પિટલમાં ડાયાબિટીસ અને કેન્સર સ્ક્રિનિંગ, મેમોગ્રાફી સ્ક્રિનિંગ તથા તમામ OPD સેવાઓ મફતમાં ઉપલબ્ધ રહેશે. નગરી હોસ્પિટલ વૃદ્ધાશ્રમોમાં જઈને આંખોની તપાસ માટે મફત કેમ્પ યોજશે.
તે ઉપરાંત 30થી 60 વર્ષની વયના લોકો માટે હાર્ટએટેકની સંભાવના તપાસવા માટે સિટી કેલ્શિયલ સ્કોરિંગ ટેસ્ટ મફતમાં કરવામાં આવશે. 12 CHC સેન્ટરોમાં 17થી 25 સપ્ટેમ્બર સુધી મેડિકલ કેમ્પ યોજાશે. અહીં સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, આંખના ડૉક્ટરો, ENT, ત્વચાવિજ્ઞાન, ફિઝિશિયન, ડેન્ટલ સર્જન અને મનોચિકિત્સક જેવી વિશિષ્ટ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સામાજિક અને આરોગ્યલક્ષી પ્રભાવ
આ અભિયાન માત્ર મેડિકલ સેવાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આરોગ્ય જાગૃતિ, પોષણ સુધારણા અને સ્વચ્છતા અંગે લોકોમાં લાંબા ગાળાનો બદલાવ લાવવાનું લક્ષ્ય ધરાવે છે. મહિલાઓને સ્વસ્થ રાખવાથી પરિવાર અને સમાજ વધુ મજબૂત બને છે, તેથી આ અભિયાનનું નામ પણ ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ રાખવામાં આવ્યું છે.
એકંદરે, વડા પ્રધાન મોદીના જન્મદિવસે શરૂ થતું આ અભિયાન ભારતના આરોગ્યક્ષેત્રમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે. દેશભરના લાખો પરિવારોને સીધો લાભ મળશે અને આ અભિયાન વિશ્વસ્તરીય હેલ્થકેર મોડલ તરીકે પણ ઉભરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel