26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સંબંધિત એક મહત્વપૂર્ણ વિકાસમાં, NIA (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ 24 જુલાઈ, 2025ના રોજ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં અનેક ગંભીર ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. આ ચાર્જશીટ અનુસાર, કેનેડિયન નાગરિક અને પાકિસ્તાન મૂળના તહવ્વુર રાણાને 26/11 હુમલાનો મુખ્ય કાવતરાખોર ગણાવવામાં આવ્યો છે. તેણે લશ્કર-એ-તૈયબા સાથે મળીને ભારત વિરુદ્ધ યુદ્ધ જેવી આતંકી યોજના બનાવી હતી અને આ માટે ડેવિડ કોલમેન હેડલીને સંપૂર્ણ મદદ અને આધાર આપ્યો હતો.
ચાર્જશીટમાં સ્પષ્ટ કરાયું છે કે, રાણાએ મુંબઈના તારદેવ વિસ્તારમાં ‘ઇમિગ્રન્ટ લૉ સેન્ટર’ નામની એક બનાવટી કંપની શરૂ કરી હતી, જે દેખાવમાં કાનૂની વ્યવસાયની ઓફિસ લાગતી હતી, પરંતુ તેનો હકીકતમાં માત્ર આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હતો. રાણાએ હેડલીને નાણાંકીય અને લોજિસ્ટિક સહાયતા આપી હતી અને એ ઓફિસના ઢાળે હેડલીએ મુંબઈમાં રેકી કરી, જેમાં હોટલ તાજ, ઓબેરોઈ ટ્રાઈડેન્ટ, CST રેલવે સ્ટેશન સહિતના સ્થળોનો સમાવેશ થાય છે.
NIAના દાવા અનુસાર, આ આખી યોજના 2005માં શરૂ થઈ હતી અને ધીરે-ધીરે આતંકી હુમલાની તૈયારીઓ કરવામાં આવી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા તથા અન્ય સાથીદારો સાથે મળીને ભારતની અખંડિતતા અને આંતરિક શાંતિ ભંગ કરવા માટે મોટું કાવતરું રચ્યું હતું. તેની નિશાની ભારત સરકાર અને નિર્દોષ નાગરિકો હતા.
ચાર્જશીટમાં ઉલ્લેખ છે કે, રાણાએ કસ્ટડીમાં તેમના ઈરાદા અને ભૂમિકાને સ્વીકારીને અનેક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યા છે. જેની પુષ્ટિ માટે NIAએ અમેરિકાને Mutual Legal Assistance Request (MLARs) પણ મોકલ્યાં છે.
ઉલ્લેખનીય છે કે લાંલી કાનૂની પ્રક્રિયા બાદ 2025ની શરૂઆતમાં રાણાનું ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા તેના પ્રત્યાર્પણ વિરોધી અરજી ફગાવાઈ હતી. હાલમાં NIA તેની વિરુદ્ધ તપાસ આગળ વધારી રહી છે.