બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને અલ્પસંખ્યકો પર વધતા હુમલાઓ વચ્ચે ‘બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી ઐક્ય પરિષદ’ (BHBCOP) દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં હિંદુ સહિતના લઘુમતી સમુદાય માટે સ્વતંત્ર અને નિર્ભય રીતે મતદાન કરવું મુશ્કેલ બની ગયું છે. પરિષદના નેતાઓએ ચૂંટણી કમિશનર સાથે મુલાકાત કરી અને સ્પષ્ટ રીતે જણાવ્યું કે અગાઉની ચૂંટણી દરમિયાન અને તાજેતરમાં થયેલી હિંસાના કારણે લઘુમતી મતદારોમાં ભારે ભયનો માહોલ છે.
સંગઠને માંગ કરી છે કે જ્યાં અલ્પસંખ્યકોની વસતી વધુ છે તેવા વિસ્તારોમાં અલગ અને સંપૂર્ણ સુરક્ષિત મતદાન મથકો (બૂથ) ઉભા કરવામાં આવે, જેથી કોઈ દબાણ કે ધમકી વિના લોકો પોતાનો મતાધિકાર વાપરી શકે. સાથે જ મતદાનના દિવસે તથા તે પહેલાં સંવેદનશીલ વિસ્તારોમાં સેના અથવા અર્ધલશ્કરી દળોની વિશેષ તહેનાતી કરવાની પણ માંગ કરવામાં આવી છે. પરિષદનું કહેવું છે કે જો પૂરતી સુરક્ષા નહીં મળે તો ઘણા લઘુમતી મતદારો મતદાનથી દૂર રહી શકે છે, જે લોકશાહી માટે ગંભીર ખતરો છે.
ઉલ્લેખનીય છે કે શેખ હસીના સરકારના પતન પછી હિંદુ સમુદાયના ઘરો, મંદિરો અને વ્યવસાયોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ફેની જિલ્લામાં એક હિંદુ ઓટોરિક્ષા ચાલકની હત્યાની ઘટનાએ આ ભયને વધુ ઘેરો બનાવ્યો છે. ભૂતકાળના અનુભવ મુજબ બાંગ્લાદેશમાં ચૂંટણી દરમિયાન હિંસા સામાન્ય બની ગઈ છે, જેમાં અલ્પસંખ્યકો સહેલાઈથી ટાર્ગેટ બને છે. ચૂંટણી પંચે સંગઠનની માંગો પર વિચાર કરવાની ખાતરી આપી છે, પરંતુ જમીનસ્તર પરની હકીકત અને સુરક્ષાની સ્થિતિને લઈને લઘુમતી સમુદાયમાં હજુ પણ ગંભીર ચિંતા વ્યાપી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel