આજે દેશભરમાં ૭૭મો પ્રજાસત્તાક દિવસ અતિ ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના માહોલમાં ઉજવાઈ રહ્યો છે. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની થીમ “વંદે માતરમના 150 વર્ષ” રાખવામાં આવી છે, જે રાષ્ટ્રીય એકતા, સ્વતંત્રતા આંદોલન અને માતૃભૂમિ પ્રત્યેના અડગ સમર્પણનું પ્રતીક છે. નવી દિલ્હીમાં યોજાતી મુખ્ય ઉજવણીનું નેતૃત્વ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે. સવારે 10.30 વાગ્યે શરૂ થનારો આ ભવ્ય સમારોહ અંદાજે 90 મિનિટ ચાલશે.
આ પ્રસંગે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે, જે ભારત અને યુરોપ વચ્ચે વધતા વ્યૂહાત્મક સંબંધોને પણ પ્રતિબિંબિત કરે છે. સમારોહની શરૂઆત પરંપરાગત રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને કરશે, જ્યાં તેઓ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય મહેમાનો સાથે પરંપરાગત બગીમાં પરેડ સ્થળે પહોંચશે.
આ વર્ષની પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ભાવનાશ કુમાર, જનરલ ઓફિસર કમાન્ડિંગ, દિલ્હી એરિયા કરશે. ખાસ વાત એ છે કે પ્રથમ વખત પરેડમાં ભારતીય સેનાની તબક્કાવાર યુદ્ધ શ્રેણી (Phased Combat Series) ફોર્મેટનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાં આધુનિક યુદ્ધ ક્ષમતાઓ અને સ્વદેશી રક્ષણ ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન ભારતનું પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત હળવા બખ્તરવાળું વિશેષ વાહન પણ પ્રદર્શિત થશે, જે ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે.
આ સાથે જ સુરક્ષાના મજબૂત પ્રબંધો પણ કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા સંભવિત ગતિવિધિઓ અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે ભારત-નેપાળ સરહદ પર સતર્કતા વધારી દેવામાં આવી છે. સશસ્ત્ર સીમા બળ (SSB)ની 42મી બટાલિયનના કમાન્ડર ગંગા સિંહ ઉદાવતે જણાવ્યું કે 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્ર વિરોધી તત્વો કોઈ અપ્રિય પ્રવૃત્તિ કરી શકે તેવી માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે એલર્ટ પર છે. પરિણામે, SSBના જવાનો સરહદ પરના માર્ગો, જંગલ વિસ્તાર, અવરજવરનાં રસ્તાઓ અને જળાશયો પર 24 કલાક કડક નજર રાખી રહ્યા છે, જેથી દેશની સુરક્ષા અને શાંતિ જાળવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel