દિલ્હીમાં 12 નવેમ્બરના રોજ થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ઘટનાના તરત બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ બેઠકનો સૌથી નોંધપાત્ર નિર્ણય ભારતની ગુપ્તચર એજન્સી ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ (RAW)ના ચીફ પરાગ જૈનને કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા) તરીકે વધારાનો હવાલો સોંપવાનો હતો. આ પદ વડાપ્રધાન અને અન્ય VVIP સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતું હોવાથી આ નિર્ણયને અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે.
પરાગ જૈન 1989 બેચના પંજાબ કેડરના IPS અધિકારી છે, જેઓ 1 જુલાઈ 2025થી RAWના ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કારકિર્દીમાં તેમણે પંજાબમાં આતંકવાદ વિરોધી અનેક મહત્વપૂર્ણ ઓપરેશન્સનું નેતૃત્વ કર્યું છે અને ચંદીગઢના SSP તેમજ લુધિયાણા રેન્જના DIG તરીકે કાર્ય કર્યું છે. પરાગ જૈનને ઇન્ટેલિજન્સ વર્તુળોમાં “સુપર જાસૂસ” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ માનવીય જાસૂસી (HUMINT) અને ટેક્નિકલ જાસૂસી (TECHINT) બંને ક્ષેત્રોમાં નિપુણ ગણાય છે. ખાસ કરીને કાશ્મીર ક્ષેત્રમાં તેમનો લાંબો અનુભવ રહ્યો છે. RAWના ચીફ બનતા પહેલા તેઓ એવિએશન રિસર્ચ સેન્ટર (ARC)ના વડા તરીકે કાર્યરત હતા, જે હવાઈ દેખરેખ, ઈમેજરી ઈન્ટેલિજન્સ અને સરહદ નિરીક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સચિવ (સુરક્ષા) તરીકે પરાગ જૈન હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષા સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના વહીવટી વડા બન્યા છે. આ પદમાં તેમનું કામ રાષ્ટ્રીય સ્તરે વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવાનું, નીતિગત માર્ગદર્શન આપવાનું અને સુરક્ષા પરિસ્થિતિ પર કાબૂ જાળવવાનું રહેશે. 31 જુલાઈ બાદ આ પદ ખાલી હતું, તેથી દિલ્હીના બ્લાસ્ટ બાદ આ નિમણૂકને રાષ્ટ્રીય સુરક્ષા માટે સમયોચિત અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. પરાગ જૈનના નેતૃત્વ હેઠળ હવે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધુ મજબૂત થવાની અપેક્ષા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel