અમદાવાદના મણિનગર-ખોખરા વિસ્તારમાં આવેલી વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સામે ગુજરાત શિક્ષણ વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા સ્કૂલ સંચાલકોને અંતિમ કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં શાળાનો વહીવટ સરકાર હસ્તક કેમ ન લેવો જોઈએ અને માન્યતા કેમ રદ ન કરવી જોઈએ તે મુદ્દે પુરાવા સાથે જવાબ માંગવામાં આવ્યો છે.
હત્યા કેસ બાદ શરૂ થઈ કાર્યવાહી
19 ઑગસ્ટ 2025ના રોજ સ્કૂલમાં બનેલી વિદ્યાર્થી હત્યાની ઘટના બાદ મામલો ભારે ચર્ચામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા, જેમાં શાળાના વહીવટ, માન્યતા અને સંચાલન સંબંધિત અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી.
હાઇકોર્ટથી રાહત બાદ ફરી નોટિસ
જિલ્લા શિક્ષણાધિકારીની ભલામણ બાદ શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો હતો, પરંતુ બાદમાં સ્કૂલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે આ નિર્ણય રદ કર્યો હતો.
હવે હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે સ્કૂલને ફરી અંતિમ તક આપતા તમામ જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવા આદેશ કર્યો છે. GSEBએ 29 મે સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.
14 મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગવામાં આવી
શિક્ષણ વિભાગે સ્કૂલ પાસેથી કુલ 14 પ્રકારના આધાર પુરાવા અને ખુલાસા માંગ્યા છે, જેમાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:
- હરીપુરા અને મણિનગર કેમ્પસની કાયદેસર મંજૂરી
- મંજૂર સરનામાં અને હાલના કેમ્પસ વચ્ચેની વિસંગતતા
- શાળાનું સંચાલન કયા ટ્રસ્ટ/સોસાયટી દ્વારા થાય છે
- લઘુમતી દરજ્જાનું પ્રમાણપત્ર છે કે નહીં
- અલગ-અલગ દસ્તાવેજોમાં જુદા ટ્રસ્ટના નામ કેમ
CISCE એફિલિયેશન અને NOC મુદ્દે પ્રશ્નો
વિભાગે Council for the Indian School Certificate Examinations બોર્ડની મંજૂરી અને રાજ્ય સરકારના NOC અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
- હાલના કેમ્પસ માટે CISCE એફિલિયેશન કયા ટ્રસ્ટના નામે છે?
- ટ્રસ્ટમાં ફેરફાર થયા હોય તો તેની મંજૂરી લેવામાં આવી કે નહીં?
નિયમોનો ભંગ? બે પાળીની શાળા અને જમીન મુદ્દો
શાળામાં બે પાળીમાં અભ્યાસ માટે સત્તાધિકારીની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે.
તે ઉપરાંત:
- બંને કેમ્પસની જમીનની માલિકી કોની છે
- લીઝ/ભાડા કરાર છે કે નહીં
- Ahmedabad Municipal Corporation દ્વારા આપવામાં આવેલી જમીન પર કોણ સંચાલન કરે છે
ફાયર NOC અને બિલ્ડિંગ પરમિશન મુદ્દે પણ તપાસ
નોટિસમાં ફાયર NOC, બિલ્ડિંગ યુઝ (BU Permission), મંજૂર નકશા અને સત્તાવાર બિલ્ડિંગ પ્લાન જેવા દસ્તાવેજો રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
આર્થિક ગેરરીતિઓ પર પણ સવાલ
શાળાની આર્થિક વ્યવસ્થા અંગે પણ શિક્ષણ વિભાગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
ઓડિટ રિપોર્ટ મુજબ પુસ્તકોના વેચાણ દ્વારા મોટી આવક થતી હોવાનું સામે આવ્યું છે, જ્યારે ગુજરાતના સ્વનિર્ભર શાળા નિયમો હેઠળ નફાખોરી પર પ્રતિબંધ છે. આ મુદ્દે પણ શાળાને સ્પષ્ટતા આપવા કહેવામાં આવ્યું છે.
હવે આગળ શું?
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો સમયમર્યાદામાં સંતોષકારક જવાબ અને પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો:
- શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાઈ શકે
- શાળાની માન્યતા રદ થઈ શકે
- વધુ કડક કાયદેસર કાર્યવાહી થઈ શકે
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel