છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુવાઓમાં અચાનક મૃત્યુના વધતા બનાવોને લઈને અનેક અટકળો ચાલી રહી હતી અને તેમાં કોરોનાની રસી (કોવિડ વેક્સિન)ને કારણ ગણાવતી વાતો પણ સોશિયલ મીડિયા અને જાહેર ચર્ચામાં સામે આવી હતી. આ તમામ ભ્રમો પર પૂર્ણવિરામ મૂકતા એમ્સ દિલ્હી દ્વારા એક વર્ષ સુધી કરાયેલા સઘન અને વૈજ્ઞાનિક અભ્યાસના આધારે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે યુવાનોના અચાનક થઈ રહેલા મૃત્યુ અને કોરોના વેક્સિન વચ્ચે કોઈ સીધો કે પરોક્ષ સંબંધ નથી. આ અભ્યાસ ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ (IJMR) માં પ્રકાશિત થયો છે, જે તેની વૈજ્ઞાનિક વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવે છે.
એમ્સના આ સંશોધનમાં 18 થી 45 વર્ષની વયના યુવાઓમાં થયેલા અચાનક મૃત્યુના કેસોના ડેટાનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં કોરોનાની રસી લીધેલા યુવાઓ અને રસી ન લીધેલા યુવાઓ — બંને જૂથોમાં અચાનક મૃત્યુનો જોખમ લગભગ સમાન પેટર્નનો હોવાનું જોવા મળ્યું. આથી સ્પષ્ટ થાય છે કે રસીકરણ અચાનક મૃત્યુનું કારણ નથી. આ તારણને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) જેવી દેશની અગ્રણી આરોગ્ય સંસ્થાઓ દ્વારા કરાયેલી તપાસમાં પણ સમર્થન મળ્યું છે.
અહેવાલ મુજબ, યુવાઓમાં અચાનક મૃત્યુ પાછળ મુખ્યત્વે કોરોનરી આર્ટરી ડિસીઝ (હૃદયની નસોની બીમારી), જીવનશૈલી સંબંધિત પરિબળો, પહેલેથી રહેલી અજાણી આરોગ્ય સમસ્યાઓ, તણાવ, ધૂમ્રપાન, ખોરાકની અસંતુલિત ટેવો અને શારીરિક અક્રિયતા જેવા કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. એટલે કે, અચાનક મૃત્યુને કોરોના વેક્સિન સાથે જોડવું વૈજ્ઞાનિક રીતે ખોટું છે. એમ્સનો આ અભ્યાસ અહેવાલ જાહેર આરોગ્યની દૃષ્ટિએ અત્યંત મહત્વનો છે, કારણ કે તે લોકોમાં ફેલાયેલા ભય અને ગેરમાહિતીને દૂર કરી, રસીકરણ પ્રત્યે વિશ્વાસ જાળવવામાં મદદરૂપ બને છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel