ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરતાં નવી ટીમની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને જાહેર કરેલી નવી ટીમમાં અનુભવી નેતાઓ સાથે અનેક નવા ચહેરાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવી રાષ્ટ્રીય ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 16 રાષ્ટ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. કુલ 65 પદાધિકારીઓની ટીમમાં મોટા પ્રમાણમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
આ સંગઠનાત્મક ફેરફાર આગામી રાજકીય પડકારો અને વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીએ નવી ટીમમાં અનુભવ, યુવા નેતૃત્વ, મહિલા પ્રતિનિધિત્વ અને વિવિધ પ્રદેશોને સંતુલિત સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે.
સ્મૃતિ ઈરાનીની રાષ્ટ્રીય સંગઠનમાં મોટી વાપસી
નવી ટીમમાં સૌથી ચર્ચાસ્પદ નામ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું છે. તેમને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાની લાંબા સમય બાદ ફરીથી પાર્ટીના કેન્દ્રીય સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સાથે પરત ફર્યા છે. નવી ટીમમાં કુલ આઠ રાષ્ટ્રીય મહામંત્રીઓ છે.
સ્મૃતિ ઈરાની ઉપરાંત વિનોદ તાવડે, સુનીલ બંસલ, બિપ્લબ કુમાર દેબ, સતીશ પૂનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી અને સંજય ભાટિયાને પણ રાષ્ટ્રીય મહામંત્રી તરીકે જવાબદારી મળી છે. સંગઠનના મહત્વપૂર્ણ પદ રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) તરીકે બી.એલ. સંતોષને યથાવત રાખવામાં આવ્યા છે.
પિયુષ ગોયલ બન્યા BJPના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને ભાજપના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજેશ મંગલને રાષ્ટ્રીય સહ-કોષાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. પિયુષ ગોયલ અગાઉ પણ પાર્ટીના કોષાધ્યક્ષ રહી ચૂક્યા છે અને હવે તેમની ફરી આ મહત્વપૂર્ણ સંગઠનાત્મક પદ પર વાપસી થઈ છે.
BJP National President Nitin Nabin has appointed new state in-charges and co-in-charges for Uttar Pradesh, Punjab, and Gujarat.
Uttar Pradesh: Vinod Tawde appointed In-charge; Jagdish Ishwarbhai Patel appointed Co-In-charge
Punjab: Satish Poonia appointed In-charge.
Gujarat:… pic.twitter.com/9TnNDIhbCI
— ANI (@ANI) August 18, 2026
13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોની જાહેરાત
ભાજપની નવી ટીમમાં કુલ 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, રામ માધવ અને બૈજયંત પાંડા જેવા અનુભવી નેતાઓને સ્થાન મળ્યું છે. ગુજરાતના વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે મોટી જવાબદારી આપવામાં આવી છે.
નવી ટીમમાં મહિલા નેતાઓને પણ નોંધપાત્ર પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોમાં છ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સંગઠનમાં મહિલા નેતૃત્વ વધારવાની ભાજપની રણનીતિ તરફ સંકેત કરે છે.
ભાજપ રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનો દબદબો, 4 નેતાઓને સ્થાન
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને મહત્વપૂર્ણ સંગઠનાત્મક જવાબદારી આપવામાં આવી છે. વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ગુજરાત માટે હેમાંગ જોશીની નિયુક્તિ ખાસ મહત્વની માનવામાં આવી રહી છે. 35 વર્ષીય હેમાંગ જોશી વડોદરાના લોકસભા સાંસદ છે અને તેઓ અગાઉ ગુજરાત ભાજપ યુવા મોરચામાં પણ મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. હવે તેઓ તેજસ્વી સૂર્યાની જગ્યાએ ભારતીય જનતા યુવા મોરચાનું રાષ્ટ્રીય નેતૃત્વ સંભાળશે.
વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી
ગુજરાતના વરિષ્ઠ ભાજપ નેતા વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. વર્ષાબેન દોશી વઢવાણ બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને લાંબા સમયથી પાર્ટીના સંગઠનમાં સક્રિય છે. તેમના અનુભવને ધ્યાનમાં રાખીને તેમને હવે રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ પદ આપવામાં આવ્યું છે.
રોહન ગુપ્તાને પણ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રોહન ગુપ્તાને પણ નવી રાષ્ટ્રીય ટીમમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. તેમને ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસમાં તેઓ રાષ્ટ્રીય પ્રવક્તા અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલી જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. 2024માં કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.
જગદીશ ઈશ્વરભાઈ પટેલને પણ રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. આમ, ગુજરાતમાંથી વર્ષાબેન દોશી, જગદીશ પટેલ, રોહન ગુપ્તા અને હેમાંગ જોશી એમ ચાર નેતાઓને રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે.
વિવિધ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષોની પણ જાહેરાત
ભાજપે પોતાના વિવિધ મોરચાઓના રાષ્ટ્રીય અધ્યક્ષોમાં પણ ફેરફાર કર્યો છે. રૂપ કુમારી ચૌધરીને મહિલા મોરચાની કમાન આપવામાં આવી છે. અમરપાલ મૌર્યને OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, બંસીલાલ ગુર્જરને કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, શિવેશ કુમાર રામને SC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મન્નાલાલ રાવતને ST મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લઘુમતી મોરચાની જવાબદારી કુંવર બાસિત અલીને આપવામાં આવી છે. ભાજપની સત્તાવાર યાદીમાં આ સંગઠનાત્મક નિયુક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા અને સંગઠન વ્યવસ્થામાં પણ ફેરફાર
નવી ટીમમાં પાર્ટીની મીડિયા અને ડિજિટલ વ્યવસ્થામાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. અનિલ બલૂનીને મીડિયા સંબંધિત જવાબદારી આપવામાં આવી છે, જ્યારે દીપક મ્હાસ્કેને સોશિયલ મીડિયા અને IT સાથે જોડાયેલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારમાં લાંબા સમયથી ભાજપના IT સેલ સાથે જોડાયેલા અમિત માલવિયાની જગ્યાએ નવા ચહેરાને લાવવામાં આવ્યો છે.
તરુણ ચુગને પણ પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વપૂર્ણ કાર્યાલય સંબંધિત જવાબદારી આપવામાં આવી છે. નવી ટીમમાં સંગઠનના અનેક વિભાગોમાં જૂના અને નવા નેતાઓનું સંતુલન જોવા મળે છે.
65 સભ્યોની ટીમમાં 51 નવા ચહેરા
નવી રાષ્ટ્રીય ટીમનું એક મહત્વનું પાસું એ છે કે કુલ 65 પદાધિકારીઓમાંથી 51 નવા ચહેરા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ સાથે છ નેતાઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે, જ્યારે મોટી સંખ્યામાં મધ્યવયના નેતાઓને પણ સ્થાન મળ્યું છે. આથી ભાજપે સંગઠનમાં નવી પેઢીને આગળ લાવવાની સાથે અનુભવી નેતાઓને પણ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું દેખાય છે.
આ નવી ટીમ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને આગામી ચૂંટણી, સંગઠન વિસ્તાર અને સામાજિક-પ્રાદેશિક સંતુલનને ધ્યાનમાં રાખીને પાર્ટીના કેન્દ્રીય માળખામાં મોટો ફેરફાર કર્યો છે. ખાસ કરીને સ્મૃતિ ઈરાની, રામ માધવ અને પિયુષ ગોયલ જેવા અનુભવી ચહેરાઓની વાપસી તથા હેમાંગ જોશી જેવા યુવા નેતાઓને મોટી જવાબદારી આપવી ભાજપની આગામી રાજકીય રણનીતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel