સુપ્રીમ કોર્ટએ રિલાયન્સ ગ્રુપ દ્વારા સંચાલિત ‘વનતારા (Vantara)’ પ્રોજેક્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.
કોર્ટે પોતાના નિણરમાં સ્પષ્ટ કર્યું કે પ્રાણીઓના કલ્યાણના નામે વારંવાર થતી કાયદાકીય દખલગીરી પ્રાણીઓ માટે પીડાદાયક બની શકે છે અને આવા મામલામાં અનાવશ્યક હસ્તક્ષેપ ટાળવો જોઈએ.
શું હતી અરજીમાં માંગ?
કરણાર્થમ વિરમાહ ફાઉન્ડેશન નામની સંસ્થાએ બંધારણની કલમ 32 હેઠળ આ અરજી દાખલ કરી હતી. અરજદારે આરોપ લગાવ્યો હતો કે વનતારા હેઠળ કાર્યરત ‘ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર’ અને ‘રાધા કૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટ’ દ્વારા વિદેશી પ્રાણીઓની આયાતમાં આંતરરાષ્ટ્રીય સંધિ CITESના નિયમોનું ઉલ્લંઘન થયું છે.
અરજદારે આયાત-નિકાસના રેકોર્ડ જાહેર કરવા, સ્વતંત્ર મોનિટરિંગ કમિટી બનાવવાની અને વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
કોર્ટનું અવલોકન: પહેલાથી જ મળી ચૂકી ‘ક્લીન ચીટ’
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આ મુદ્દો પહેલેથી જ C.R. Jaya Sukin vs Union of India (2025) કેસમાં તપાસાઈ ચૂક્યો છે. તે સમયે કોર્ટ દ્વારા રચાયેલી SITએ વનતારા પ્રોજેક્ટ અંગે વિગતવાર તપાસ કરી હતી.
કોર્ટે કહ્યું કે SITનો અંતિમ અહેવાલ 15 સપ્ટેમ્બર 2025ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે વનતારા દ્વારા કોઈ દેશી કે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થયો નથી. તેથી આ જ મુદ્દે ફરી તપાસ કરવાની જરૂર નથી.
ઐતિહાસિક ચુકાદાનો હવાલો
કોર્ટે પોતાના નિર્ણયમાં ઈસ્ટ ઈન્ડિયા કોમર્શિયલ કંપની લિમિટેડ વિરુદ્ધ કસ્ટમ્સ કલેક્ટરના (1962) નો ઉલ્લેખ કર્યો.
આ ચુકાદા મુજબ, જ્યારે સત્તાધિકારી દ્વારા આયાત માટે કાયદેસર મંજૂરી આપવામાં આવે અને તે અમલમાં આવી જાય, ત્યારે તેને પછીથી ઉઠાવેલા વાંધાઓના આધારે રદ કરી શકાય નહીં. આવી મંજૂરીઓ અંતિમ ગણાય છે.
પ્રાણીઓના કલ્યાણ પર મહત્વપૂર્ણ ટિપ્પણી
કોર્ટે પ્રાણીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે પણ મહત્વપૂર્ણ અવલોકન કર્યું. ચુકાદામાં જણાવાયું કે કાયદેસર રીતે આયાત કરાયેલા અને રેસ્ક્યુ કરાયેલા પ્રાણીઓને તેમના સ્થિર થયેલા વાતાવરણમાંથી ખસેડવા અથવા વારંવાર ખલેલ પહોંચાડવી એ પોતે જ ક્રૂરતા સમાન છે.
કોર્ટના મતે, બિનજરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ અને વારંવારની તપાસ પ્રાણીઓના કલ્યાણ વિરુદ્ધ છે અને તેને ટાળવી જોઈએ.
CITES અંગે કોર્ટની સ્પષ્ટતા
અરજદારે CITESના દસ્તાવેજોના આધારે આક્ષેપો કર્યા હતા, પરંતુ કોર્ટે જણાવ્યું કે તે દસ્તાવેજો અરજદારના દાવાને સમર્થન આપતા નથી.
ઉલટું, રેકોર્ડ દર્શાવે છે કે પ્રાણીઓની આયાત માટે જરૂરી તમામ પરમિટ અને દસ્તાવેજો ઉપલબ્ધ હતા અને આ આયાત કોઈ પણ પ્રકારના વ્યાપારી હેતુ માટે કરવામાં આવી નહોતી.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે વનતારા પ્રોજેક્ટ કાયદેસર રીતે કાર્યરત છે અને તેની સામેના આરોપો બિનઆધારભૂત છે. સાથે જ કોર્ટએ પ્રાણીઓના હિતને પ્રાથમિકતા આપતાં અનાવશ્યક કાયદાકીય દખલગીરી સામે ચેતવણી આપી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom