ભારતની સુપ્રીમ કોર્ટે પંજાબ કેસરી ગ્રુપને મોટી રાહત આપતાં લુધિયાણામાં આવેલા તેના પ્રિન્ટિંગ પ્રેસને તાત્કાલિક ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. 20 જાન્યુઆરી, 2026ના રોજ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અખબારના પ્રિન્ટિંગ પ્રેસને કોઈપણ પ્રકારની અડચણ વિના તરત જ ફરી ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવે. આ આદેશ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા અંતિમ નિર્ણય સંભળાવ્યા બાદ એક અઠવાડિયા સુધી અમલમાં રહેશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આવી પ્રકારની કાર્યવાહીથી પ્રેસની સ્વતંત્રતા પર ગંભીર અને નકારાત્મક અસર પડે છે, જે લોકશાહી માટે જોખમી છે.
પંજાબ કેસરી પંજાબમાં સૌથી વધુ વંચાતાં હિન્દી અને પંજાબી અખબારોમાંનું એક છે. 15 જાન્યુઆરી, 2026ના રોજ પંજાબ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (PPCB)એ પર્યાવરણના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવી લુધિયાણામાં આવેલો તેનો પ્રિન્ટિંગ પ્રેસ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. નોંધનીય બાબત એ હતી કે PPCBએ તે જ દિવસે તપાસ કરીને સેમ્પલ લીધા હતા, પરંતુ તેની લેબોરેટરી રિપોર્ટની રાહ જોયા વિના અને અખબારના અધિકારીઓને પોતાનું પક્ષ રજૂ કરવાની તક આપ્યા વગર જ પ્રેસ સીલ કરી દીધો હતો. આ પગલાને પંજાબ કેસરી ગ્રુપે મનમાની અને કાયદાની પ્રક્રિયાનો ભંગ ગણાવ્યો હતો.
પંજાબ કેસરી ગ્રુપે આ કાર્યવાહી પાછળ રાજકીય દબાણ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. અખબારનું કહેવું હતું કે આમ આદમી પાર્ટી (AAP) અને તેના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પ્રકાશિત થયેલા સમાચારો, ખાસ કરીને 31 ઑક્ટોબર, 2025ના એક અહેવાલ બાદ સરકાર દ્વારા તેમના પર દબાણ વધારવામાં આવ્યું હતું. અખબારના દાવા મુજબ સરકારએ તેમની સામે નારાજગી વ્યક્ત કરતાં સરકારી જાહેરાતો આપવાનું પણ બંધ કરી દીધું હતું, જેના કારણે તેમની આવક પર સીધી અસર પડી હતી. પંજાબ કેસરીએ આ સમગ્ર ઘટનાને પ્રેસની સ્વતંત્રતા પર સીધો હુમલો ગણાવ્યો અને કહ્યું કે આવી કાર્યવાહીઓનો હેતુ પત્રકારોને ડરાવવાનો અને નિર્ભય પત્રકારત્વને દબાવવાનો છે.
આ મામલે પંજાબ કેસરી ગ્રુપે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાં ચુકાદો અનામત રાખવામાં આવતાં વચગાળાની રાહત માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે હોટેલ, ફેક્ટરી કે અન્ય વ્યાવસાયિક એકમો સામે પર્યાવરણના નામે કાર્યવાહી થવી સમજી શકાય છે, પરંતુ પ્રદૂષણના બહાને અખબારનું પ્રકાશન બંધ કરી દેવું પ્રેસની સ્વતંત્રતા પર ગંભીર પ્રહાર સમાન છે. કોર્ટના આ આદેશને મીડિયા સ્વતંત્રતા માટે એક મહત્વપૂર્ણ નઝીર તરીકે જોવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel