ક્રિસમસની રાત્રે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામના વાડી વિસ્તારમાં હિંદુઓનું ધર્માંતરણ થતું હોવાની આશંકા સામે આવી હતી. માહિતી મળતા હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ખ્રિસ્તી મિશનરી સાથે સંકળાયેલી હોવાનું જણાવાતી MP નંબર પ્લેટવાળી ગાડીઓ, કેક કટિંગ, બાઇબલ આધારિત કાર્યક્રમ અને ત્યારબાદ જમણવાર ચાલી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો.
કાર્યકર્તાઓ પહોંચતાં જ ત્યાં હાજર કેટલાક લોકો સ્થળ પરથી છૂટા પડી ગયા હોવાનું જણાવાયું. સ્થાનિક હિંદુ સંગઠનના પદાધિકારીઓ ચંદ્રેશભાઈ અને પ્રીતમસિંહ વાળાએ જણાવ્યું કે ખેતરના તેમજ પરપ્રાંતિય શ્રમિકોને ભોજન અને કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું હતું, જેને લઈ શંકા વધુ મજબૂત બની હતી. ઘટનાની ગંભીરતા જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો અને કેટલાક શકમંદોની અટકાયત પણ કરવામાં આવી.
ઘટનાસ્થળે SOG, LCB અને મેઘપર પોલીસની ટીમો હાજર રહી હતી, જ્યારે ઇન્ચાર્જ SP પ્રતિભાએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં SPએ જણાવ્યું કે ખેતરનો એક શ્રમિક ખ્રિસ્તી હોવાથી નાતાલના તહેવાર નિમિત્તે તેણે પોતાના ઘરે રાત્રિભોજન માટે અન્ય લોકોને આમંત્રિત કર્યા હતા અને ધર્માંતરણના આરોપોને તેમણે નકારી કાઢ્યા હતા. મેઘપર પોલીસે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓના નિવેદનો લીધા અને અરજી સ્વીકારી. PI પી.ટી. જયસ્વાલે જણાવ્યું કે તમામ પાસાંની તપાસ, અટકાયત કરાયેલા લોકોની પૂછપરછ અને તેમના ફોનની તપાસ બાદ પણ કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે ધર્માંતરણનો એંગલ સામે આવ્યો નથી. પોલીસના મતે આ નાતાલના તહેવારને લઈને યોજાયેલ સામાન્ય રાત્રિભોજન કાર્યક્રમ હતો અને હાજર તમામ લોકો ખ્રિસ્તી પંથમાં માનનારા હતા; ધર્માંતરણના કોઈ પુરાવા મળ્યા નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel