ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય મહાસંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની સૌથી વિશેષ બાબત એ રહી કે ઠાકોર સેનાના આહવાન પર સમાજના લોકો અડધી રાત્રે 3 વાગ્યાથી જ હજારોની સંખ્યામાં મેદાનમાં ઉમટી પડ્યા હતા. સંમેલનનો મુખ્ય એજન્ડા સમાજની એકતા, શિક્ષણ અને જાગૃતિને મજબૂત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઢોલીઓના તાલે અને ગરબાએ સમગ્ર વાતાવરણને ઉત્સાહસભર બનાવી દીધું હતું. લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવી અને રાકેશ બારોટના ગીતો પર યુવાનો ઝંડા ફરકાવતા હિલોળે ચડ્યા હતા. સંમેલનમાં હાજર સમાજના લોકો તથા નેતાઓએ એકજૂટ થઈને આગળ વધવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમના અંતે અડાલજ ખાતે નિર્માણ પામનાર ‘શ્રી સરસ્વતી ધામ’ પ્રોજેક્ટની જાહેરાત સાથે તેનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં સમાજના બાળકો માટે શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.
મહાસંમેલનમાં સંબોધન કરતાં અલ્પેશ ઠાકોરે હુંકાર કરતાં જણાવ્યું હતું કે, “હું વિવેકી છું, ડરપોક નથી. જો હું રાજનીતિમાં સમાજને કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ.” તેમણે કહ્યું હતું કે રાત્રે 3 વાગ્યે સંમેલન યોજવા અંગે અનેક શંકા-કુશંકાઓ હતી, પરંતુ આજે જે જનમેદની દેખાઈ રહી છે તે 15 વર્ષના સંઘર્ષ અને સંગઠનની શક્તિનું પરિણામ છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તેમણે વર્ષો સુધી સમાજને એક કરવા માટે પ્રયત્ન કર્યા છે અને ગુજરાતના દરેક ખૂણે ફરીને બનાસકાંઠાના ઠાકોરોથી લઈને અમદાવાદના અલ્પેશ સુધી સમાજને ઓળખ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વ્યસનમુક્તિ અભિયાનની સફળતા દર્શાવતા કહ્યું કે 26 જાન્યુઆરી 2016ના રોજ જ્યારે વ્યસનમુક્તિની વાત કરવામાં આવી ત્યારે લોકો હસતા હતા, પરંતુ આજે રાજ્યના ગામડાઓમાં 90થી 95 ટકા લોકો વ્યસનમુક્ત થયા છે. જો વર્ષો પહેલાં વ્યસનમુક્તિ થઈ હોત તો આજે ઠાકોર સમાજ પાસે અડધી જમીન હોત એમ પણ તેમણે ઉમેર્યું હતું.
અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે સમાજે પોતાની લડાઈ જાતે લડવી પડશે. માત્ર રાજકારણ પર આધાર રાખવાથી નહીં પરંતુ શિક્ષણ, વિચારધારા અને સંસ્થાઓ ઉભી કરીને આગળ વધવું પડશે. સમાજના યુવાનોને SP અને કલેક્ટર બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. લગ્નોમાં ખોટા ખર્ચા માટે જમીનો વેચાય નહીં અને સમાજના નાગરિકોએ પોતાની જમીન સાચવી રાખવી જોઈએ. તેમણે જણાવ્યું કે સરસ્વતી ધામમાં આશરે 2 હજાર દીકરા-દીકરીઓ રહી શકશે અને તેમના ભવિષ્યનું ઘડતર થશે. આવનારા સમયમાં વધુ 8 શિક્ષણ ભવનોનું નિર્માણ કરવામાં આવશે અને 2036માં સમાજની દીકરી SP કે કલેક્ટર બનીને આ જ મંચ પરથી ભાષણ કરશે એવી આશા વ્યક્ત કરી હતી.
અલ્પેશ ઠાકોરની 10 મોટી વાત
- હું વિવેકી છું પણ ડરપોક નથી.
- અલ્પેશ ઠાકોર રાતોરાત નથી દેખાયો.
- સમાજને એક કરવા 15 વર્ષથી સતત પ્રયાસ કર્યા છે.
- બનાસકાંઠાના ઠાકોરોથી લઈ અમદાવાદના અલ્પેશ સુધી સૌને ઓળખાવ્યા છે.
- હું રાજનીતિમાં કંઈ આપી શકું તેમ નહીં હોય તો રાજનીતિ છોડી દઈશ
- 2036માં સમાજની દીકરી SP કે કલેક્ટર બનીને અહીં ભાષણ કરશે.
- 26 જાન્યુઆરી, 2016એ વ્યસનમુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા.
- વર્ષો પહેલાં વ્યસનમુક્તિ થઈ હોત તો આજે અડધી જમીન ઠાકોર સમાજની હોત.
- સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા સરસ્વતી ધામનું ભૂમિપૂજન કર્યું છે.
- રાત્રે ૩ વાગ્યે સંમેલન બોલાવ્યું હોવાથી અનેક શંકા-કુશંકાઓ ઊભી થઈ હતી.
સાંસદ ગેનીબેન ઠાકોરે અભ્યુદય મહાસંમેલનમાં જણાવ્યું હતું કે, “આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને, દીકરીઓએ 12મા ધોરણ પછી વિવાહ કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ અને દરેક તાલુકામાં દીકરીઓ માટે ખાસ હોસ્ટેલ બનાવવા પડશે. આવનાર સમયમાં સમાજની મહિલાઓની રોજગારી અંગે પણ વિચારવું પડશે અને દીકરીઓને કોઈપણ મોરચે લડવા તૈયાર કરવા પડશે. સમાજને આગળ વધવા માટે સંઘર્ષ અને પરિશ્રમ કરવો રહ્યો છે. અન્ય સમાજ શિક્ષિત બની પ્રગતિ કરી રહ્યા છે તેનું એનાલિસિસ કરવા અને આપણો સમાજ પણ તે જ દિશામાં આગળ વધે એ માટે આજે સૌ એક મંચ પર આવ્યા છે.”
વધુમાં તેઓએ જણાવ્યું કે, “રાજ્યના ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના સમાજને એકજૂટ થવું પડશે. આવનાર સમય કોઈની રાહ જોતો નથી. સમાજની શૈક્ષણિક સંસ્થાઓ મજબૂત બનાવવી પડશે અને ટેક્નોલોજીની સદીમાં સારા હોદ્દાની નોકરી માટે જાગૃત થવું પડશે. સમાજ સેવામાં કોઈને નડે નહીં તે પણ મોટી સેવા છે.
સમાજના ભવિષ્યના નિર્માણને અમે સૌ એળે નહીં જવા દઈએ. સરસ્વતી ધામનું નિર્માણ ઝડપથી ઉપયોગી બને તે માટે પણ પ્રયાસ કરવો પડશે. રાજકારણ વ્યક્તિગત વિષય છે ત્યારે સમાજના નાગરિકના ન્યાય માટે પણ એક મંચ પર રહેવું પડશે. આ કામ સહિયારા પુરુષાર્થથી થશે.”
ગેનીબેન ઠાકોરની 10 મોટી વાત
- આપણો સમાજ ડવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને.
- દીકરીઓને 12મા ધોરણ પછી વિવાહ કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ.
- દરેક તાલુકામાં દીકરીઓ માટે ખાસ હોસ્ટેલ બનાવવા પડશે.
- સમાજની મહિલાઓની રોજગારી અંગે પણ વિચારવું પડશે.
- ટેક્નોલોજીની સદીમાં સારા હોદ્દાની નોકરી માટે જાગૃત થવું પડશે.
- સમાજને આગળ વધવા માટે સંઘર્ષ અને પરિશ્રમ કરવો રહ્યો.
- રાજ્યના ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના સમાજને એકજૂટ થવું પડશે.
- સમાજની શૈક્ષણિક સંસ્થાઓ મજબૂત બનાવવી પડશે.
- સમાજ સેવામાં કોઈને નડે નહીં તે પણ મોટી સેવા છે.
- રાજકારણ વ્યક્તિગત વિષય છે, ત્યારે સમાજના નાગરિકના ન્યાય માટે પણ એક મંચ પર રહેવું પડશે.
આ સંમેલનમાં હાજર ધવલસિંહ ઝાલા, કેશાજી ઠાકોર, બળદેવજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, શોભનાબેન બારૈયા અને કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી સહિતના તમામ લોકોએ મહાસંમેલનનો હેતુ સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવા અને રોજગાર ક્ષેત્રે બાળકો આગળ આવે એની ચિંતાને લઈને ભેગા થયા હોવાનો જણાવ્યો હતો.
ઠાકોર સમાજમાં રહેલી વિવિધ બદીઓને દૂર કરવા માટે 10 વર્ષ પહેલા 2016માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેને આજે 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 10 વર્ષમાં નોંધપાત્ર સુધાર લાવવામાં સફળતા મળી હોવાનો ઠાકોર સેના દ્વારા દાવો કરાયો છે. સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, સ્વાભિમાન અને વ્યસન મુક્તિના મક્કમ ઈરાદા સાથે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ દરમિયાન અડાલજમાં બનનાર શ્રી સરસ્વતી ધામ પ્રોજેક્ટની જાહેરાત સાથે ભૂમિપૂજન પણ કરાયું.
આ સંમેલનમાં બળદેવજી ઠાકોરે લોકોને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, “આજે ત્રીજી વખત અડધી રાતે લોકો ભેગા થયાનો બનાવ છે. દેશ આઝાદ થયો ત્યારે 6 વાગ્યે દેશ જાગ્યો હતો, બીજી વખત જયપ્રકાશ નારાયણજીએ બિહારમાં 6 વાગ્યે મીટિંગ બોલાવી હતી અને આજે ત્રીજી વખત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અડધી રાતે ગાંધીનગરમાં લાખો લોકો એકત્રિત થયા છે. આમાંથી આપણે કંઈક શીખવાનું છે અને જાગૃત બનવાનું છે.”
સંમેલનમાં અલ્પેશ ઠાકોર, વિક્રમ ઠાકોર, કિર્તીદાન ગઢવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. લોકોએ મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને અભિવાદન કર્યું હતું આજે સવારે સરસ્વતી ધામ (શિક્ષણનું શાશ્વત મંદિર)નું અડાલજમાં ભૂમિપૂજન પણ કરાયું હતું. ઠાકોર સમાજના લોકોએ જણાવ્યું કે, આખો સમાજ વ્યસનમુક્ત બને, શિક્ષિત થાય અને એકજૂટ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના છે. આ મહાસંમેલને ઠાકોર સમાજમાં જાગૃતિ અને એકતાનો નવો સંદેશ આપ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel