દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. ત્યારબાદ વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. વરસાદે અચાનક ઠંડી વધારી દીધી છે અને હવે લોકોએ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. આવનારા દિવસોમાં તાપમાનમાં વધારે ઘટાડો થઈ શકે છે. એવી આશા હતી કે વરસાદ બાદ પ્રદૂષણમાં રાહત મળશે. પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. દિલ્હીમાં હજુ પણ એક્યુઆઈ 350ની આજુબાજુ છે. આ ઉપરાંત અન્ય રાજ્યો અને ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી છે તે પણ ખાસ જાણો.
સ્કાઈમેટ વેધરના જણાવ્યાં મુજબ મધ્ય પાકિસ્તાન અને તેની નજીકના વિસ્તારો પશ્ચિમી રાજસ્થાન પર એક પ્રેરિત ચક્રવાતી પવનનું ક્ષેત્ર હવે રાજસ્થાનના પશ્ચિમી ભાગો પર છે. મધ્ય પ્રદેશના કેટલાક હિસ્સાઓ પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું છે. જેની અસર જોવા મળી રહી છે. જ્યારે દક્ષિણી આંદમાન સાગર પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું છે. તેના પ્રભાવથી આગામી 24 કલાકમાં એક ઓછા દબાણનું ક્ષેત્ર બની શકે છે, જે 29 નવેમ્બરની આજુબાજુ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીક આંદમાન સાગર પર એક દબાણ ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે.
દિલ્હીમાં કેવું રહેશે હવામાન
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દિલ્હીમાં મંગળવારે આંશિક રીતે વાદળ છવાયેલા રહેશે. તાપમાન વધુમાં વધુ લગભગ 25 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આશા છે.
ગુજરાતમાં હવામાન
ગુજરાતના વિવિધ ભાગોમાં થયેલા માવઠાના કારણે વીજળી પડવાથી 27 જેટલા લોકોના મોત થયા છે. વરસાદથી ઘરો અને પાકને પણ નુકસાન પહોંચ્યું છે.
આજે ક્યાં છે આગાહી
ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી સર્જાયેલા માવઠાનું માહોલ હજું પણ એક દિવસ ચાલુ રહે અને મંગળવારે પણ વરસાદી છાંટા કે સામાન્ય વરસાદ પડે તેવી વકી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વાદળછાયું વાતાવરણ રહેવાથી લઘુત્તમ તાપમાન 4.3 ડિગ્રી ઘટીને 17.5 ડિગ્રી પર પહોંચ્યું જ્યારે મહત્તમ તાપમાન 26.7 ડિગ્રીએ પહોંચ્યું છે. ચાર પાંચ દિવસ ઠંડીનો ચમકારો પણ રહે તેવી સંભાવના છે.
રાજ્યના હવામાન વિભાગે જણાવ્યાં મુજબ આજે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે જ સામાન્ય વરસાદ પણ પડી શકે છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદના ઝાપટા પડી શકે છે. બુધવારથી વાતાવરણમાં સુધારો થવાની શક્યતા છે.