દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરનાં રોજ 2020નાં દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કાવતરાં મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ખાસ કરીને ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ વિશે કોર્ટે નોંધ્યું છે કે પ્રથમ દૃષ્ટિએ બંનેએ ટોળાં એકત્રિત કરવા, કાવતરું ઘડવા અને રમખાણો કરાવવાની પ્રક્રિયામાં નેતૃત્વની ભૂમિકા ભજવી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાલ તેઓ કેસનાં મેરિટ્સ પર નહીં જઈ રહ્યા હોય, પરંતુ માત્ર જામીન મુદ્દે આ નિર્ણય લેવાયો છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, આ બંને આરોપીઓને અન્ય આરોપીઓ સાથે સરખાવી શકાશે નહીં, કારણ કે તેમની ભૂમિકા અત્યંત ગંભીર અને નેતૃત્વવાળી હતી, જ્યારે અમુક આરોપીઓને અગાઉ જામીન મળ્યાં છે તે પરિસ્થિતિ જુદી છે.
હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું કે ડિસેમ્બર 2019માં જ્યારે સંસદે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (CAA) પસાર કર્યું ત્યારે ખાલિદ અને ઇમામે જ આ કાયદાને વિરોધી કાયદો કહીને પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ વોટ્સએપ ગ્રુપ બનાવી મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પેમ્ફલેટ વહેંચ્યાં, લોકોને ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કર્યા અને સતત એવો અપપ્રચાર કર્યો કે CAA ખાસ કરીને મુસ્લિમ વિરોધી કાયદો છે. કોર્ટે કહ્યું કે ખાલિદ અને ઇમામના ભાષણો સામાન્ય રાજકીય ભાષણો ન હતાં, પરંતુ એક વિશાળ કાવતરાંના ભાગરૂપે આયોજનબદ્ધ રીતે આપવામાં આવ્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે બંને આ સમગ્ર ષડ્યંત્રના મુખ્ય સૂત્રધાર હતા અને અન્ય આરોપીઓ સાથે મળી સમગ્ર યોજના પાર પાડવામાં આગેવાન તરીકે જોડાયા હતા.
શરજીલ ઇમામના વકીલોએ દલીલ કરી કે તે જાન્યુઆરી 2020માં જ પકડી લેવાયો હતો અને ફેબ્રુઆરી 2020નાં રમખાણો દરમિયાન જેલમાં હતો, તેથી તેને જવાબદાર ન ઠેરવવો જોઈએ. એ જ રીતે ઉમર ખાલિદના વકીલોએ રજૂઆત કરી કે રમખાણો દરમિયાન તે એક પણ સ્થળે હાજર નહોતો. પરંતુ હાઇકોર્ટે આ દલીલો ફગાવીને કહ્યું કે આરોપીઓ સ્થળ પર હાજર હોય કે ન હોય તે મુદ્દો મહત્વનો નથી. ષડ્યંત્ર, ગ્રુપોની રચના, ઉશ્કેરણીય ભાષણો, લોકોને CAA અને NRC વિરુદ્ધ ભડકાવવાની કાર્યવાહી પહેલેથી જ કરવામાં આવી હતી, અને તેમાં આ બંનેની જ મુખ્ય ભૂમિકા હતી.
કોર્ટે અંતે કહ્યું કે જામીન “સમાનતા”ના આધારે આપવામાં આવી શકતા નથી. કેટલાક અન્ય આરોપીઓને જામીન મળ્યા છે, પરંતુ ખાલિદ અને ઇમામની ભૂમિકા જુદી હોવાથી તેઓને જામીન મળી શકતા નથી. કારણ કે પ્લાનિંગ કરનાર અને લીડરશીપ લેતા આરોપીઓને બીજા નાના સ્તરના આરોપીઓ સાથે સરખાવવી યોગ્ય નથી.
હાલ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ બંને પાંચ વર્ષથી જેલમાં છે. 2020ના રમખાણોમાં કાવતરું ઘડવા મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટ પહેલેથી જ તેમની જામીન અરજી ફગાવી ચૂકી હતી અને હવે હાઇકોર્ટે પણ તેમની અરજી નકારી કાઢી છે. આ ચુકાદાથી સ્પષ્ટ સંદેશો મળે છે કે કાવતરાં અને ઉશ્કેરણીમાં આગેવાની ભૂમિકા ભજવનાર આરોપીઓ માટે કાનૂન કોઈ છૂટછાટ આપવાની તૈયારીમાં નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel