અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો અને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ગણાતો અત્યંત વ્યસ્ત સુભાષ બ્રિજ હવે તોડી પાડવામાં આવશે કે નહીં તે મુદ્દે ચર્ચા તેજ બની છે. 50 વર્ષથી વધુ જૂના આ બ્રિજના સ્ટ્રક્ચરમાં તાજેતરમાં ગંભીર ખામીઓ સામે આવ્યા બાદ તેની સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા છે. 4 ડિસેમ્બરની સાંજે બ્રિજમાં તિરાડો પડવાની અને એક સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવતા તંત્રએ તાત્કાલિક બ્રિજ બંધ કરી દીધો હતો અને વિગતવાર તપાસ શરૂ કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બ્રિજની મજબૂતાઈ અને સલામતીની ચકાસણી માટે IIT રૂડકી, IIT મુંબઈ, SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓની મદદ લેવામાં આવી હતી. આ કન્સલ્ટન્ટ એજન્સીઓએ મંગળવારે 23 ડિસેમ્બરે પોતાનો વિગતવાર રિપોર્ટ AMCને સોંપ્યો છે. રિપોર્ટમાં સમસ્યાના ઉકેલ માટે ત્રણ મુખ્ય વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે—બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવો, ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે વધારાનો પિલ્લર ઉભો કરીને મજબૂતાઈ આપવી અથવા બ્રિજના ઉપરના સ્ટ્રક્ચરને બદલીને સ્ટીલ સ્ટ્રક્ચર બનાવવું.
જો કે, નિષ્ણાતોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે સુભાષ બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુ થઈ ચૂક્યું છે, તે જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને વર્તમાન સમયમાં વધેલા ટ્રાફિકના ભારણને સહન કરવા માટે સક્ષમ નથી. આ કારણે નાગરિકોની સલામતી અને શહેરના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખતા જૂના બ્રિજને તોડી પાડીને નવો બ્રિજ બનાવવો જ સૌથી યોગ્ય અને સલામત વિકલ્પ હોવાનું સૂચવવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારી જયેશ પટેલે જણાવ્યું છે કે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. બુધવારે 24 ડિસેમ્બરની સાંજે તમામ નિષ્ણાત સંસ્થાઓના રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને તેના આધારે વિસ્તૃત ચર્ચા બાદ સુભાષ બ્રિજને તોડવાનો કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel