આંધ્રપ્રદેશના પવિત્ર તિરુપતિ બાલાજી મંદિરમાં બનેલા પ્રસાદ તરીકે પ્રસિદ્ધ ‘તિરુપતિ લાડુ’ માટે વપરાતા ઘી સંબંધિત એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ઉત્તરાખંડની એક ડેરી દ્વારા મંદિરમાં 68 લાખ કિલો બનાવટી ઘી પહોંચાડવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઘીનું બજાર મૂલ્ય લગભગ ₹250 કરોડ જેટલું છે. મામલો સામે આવ્યા બાદ તપાસ માટે બનેલી CBIની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ દિલ્હીના વેપારી અજય કુમારને ધરપકડ કરી છે, જેના પર ડેરીને ઘી બનાવવામાં વપરાતા કેમિકલ પૂરાં પાડવાનો આરોપ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તરાખંડની ભોલે બાબા ઓર્ગેનિક ડેરી વર્ષ 2019થી 2024 દરમિયાન તિરુપતિ મંદિર ટ્રસ્ટને ઘી પૂરું પાડતી હતી. તપાસમાં ખુલ્યું કે આ ડેરી દૂધ અથવા બટરનું ઉત્પાદન કરતી જ નહોતી, છતાં મોટા પાયે “ઘી” બનાવતી અને પુરું પાડતી હતી. હકીકતમાં આ ઘી પામ ઓઇલ, હાયડ્રોજેનેટેડ ફેટ, અને વિવિધ કેમિકલ તથા એસેન્સના મિશ્રણથી બનાવવામાં આવતું હતું, જેથી તેનું રંગ અને સુગંધ સાચા ઘી જેવી લાગે.
SITની તપાસમાં જાણવા મળ્યું કે વર્ષ 2022માં મંદિર ટ્રસ્ટે ડેરીને બ્લેકલિસ્ટ કરી હતી, પરંતુ ડેરીએ પ્રોક્સી ફર્મોના નામે ઘી સપ્લાય ચાલુ રાખ્યું. આ બનાવટી ઘી અલગ અલગ ફર્જી કંપનીઓનાં લેબલ હેઠળ મોકલવામાં આવતું અને દસ્તાવેજો, બિલ વગેરે પણ ખોટાં બનાવવામાં આવતાં. ટ્રસ્ટની ગુણવત્તા ચકાસણીમાં ખામી ન આવે તે માટે કેમિકલ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો.
રિમાન્ડ રિપોર્ટ મુજબ, આ ડેરીના પ્રમોટર પોમિલ જૈન અને વિપિન જૈન મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા છે. SITએ જણાવ્યું કે તિરુપતિના લાડુઓમાં વપરાયેલું આશરે 90 ટકા ઘી બનાવટી હતું, જેમાં દૂધનો કોઈ અંશ નહોતો. આ આખું કૌભાંડ સપ્ટેમ્બર 2024માં પ્રકાશમાં આવ્યું, જ્યારે આંધ્રપ્રદેશના હાલના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ જગન મોહન સરકાર પર આરોપ મૂક્યો કે તેમના સમયમાં તિરુપતિના લાડુ માટે બનાવટી ઘી વપરાયું હતું. ત્યારબાદ આ મામલાની ગંભીરતા જોતા SITની રચના થઈ અને હવે આ કૌભાંડના અનેક સ્તરો ખુલી રહ્યા છે.
હાલ SIT સમગ્ર કૌભાંડની નાણાકીય અને પુરવઠા ચેઇન સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહી છે અને વધુ ધરપકડોની સંભાવના વ્યક્ત કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel