નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.5 મપાઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપતાં કહ્યું કે ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
ક્યાં ક્યાં ભૂકંપના આંચકા અનુભવાયા
નેપાળની રાષ્ટ્રીય ભૂકંપ નિરીક્ષણ અને રિસર્ચ કેન્દ્ર અનુસાર ભૂકંપના આંચકા મોડી રાતે એક વાગ્યે અને 19 મિનીટ પર અનુભવાયા હતા. જેનું કેન્દ્ર કાઠમંડુથી 30 કિ.મી. દૂર મકવાનપુર જિલ્લાના ચિતલાંગ વિસ્તારમાં હતું. ભૂકંપના ઝટકા રાજધાની કાઠમંડુ ઉપરાંત નુવકોટ, ધાડિંગ, ભક્તપુર, લલિતપુર અને મકવાનપુર જિલ્લામાં પણ અનુભવાયા હતા. અગાઉ નેપાળમાં આવેલા ભૂકંપમાં 140 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘવાયા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા 6.4 મપાઈ હતી.