નાગરિકોના પ્રશ્નો સાંભળી હકારાત્મક પસાને ધ્યાને લઈને પ્રશ્નના મૂળ સુધી પહોંચીને તેનો નિકાલ કરવાની દિશામાં કાર્યકરવા પર ભાર મૂકતા કલેક્ટર એસ.કે.મોદી
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાંથી કુલ ૧૧ જેટલા નાગરિકોએ પોતાના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
જિલ્લા સ્વાગતમાં પ્રશ્નો રજૂ કરનારા અરજદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપભેર કરવા અંગે તેમજ નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોના નકારાત્મક પાસાથી આગળ વધી હકારાત્મક બાબાત ઉપર વધુ ભાર મૂકી પ્રશ્નના મૂળ સુધી જઈને તેની યોગ્ય તપાસ કરી સાચી દિશામાં પ્રશ્નોનો નિકાલ કરવા અંગે કલેક્ટર એસ.કે.મોદીએ માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
નર્મદા જિલ્લા કક્ષાના આ સ્વાગત કાર્યક્રમ પૂર્વે અગાઉના જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નો અંગે પણ સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરી પ્રશ્નોનો યોગ્ય નિકાલ અથવા નીતિવિષયક બાબતનો પ્રશ્ન હોય તો તેવા પ્રશ્ન બાબતે થયેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ નહીં મળવા, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીના દસ્તાવેજો ઓનલાઈન કરવામાં થયેલી વિસંગતતા, નમોશ્રી યોજનામાં લાભ નહીં મળવા, દેડિયાપાડા તાલુકામાં મોઝદાથી ડુમખલ સુધીના માર્ગના સમારકામ, સોસાયટીમાંથી વરસાદી પાણીના કાયમી નિકાલ અંગેનો પ્રશ્ન, સરકારી યોજનાનો લાભ મળ્યા બાદ સબસિડી જમા થવામાં થયેલો વિલંબ, જમીનનો કબજો આપવા બાબત, નગર પાલિકા વિસ્તારમાં મિલકતની આકારણી, કર્મચારીના મૃત્યુ બાદ પરિવારને મળવાપાત્ર પેન્શનની બાબતો, જમીનની વારસાઈમાં અટકમાં ફેરફાર સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા અંગેના અરજદારોને સંબંધિત વિભાગો દ્વારા થયેલી કાર્યવાહી-જવાબો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) ગૌરવ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, પ્રાંત અધિકારી ડૉ.કિશનદાન ગઢવી, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિનાકીની ભગોરા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.