દેશભરના યુટ્યુબર્સ, ઈન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક મહત્વપૂર્ણ વિકાસ થયો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો કે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતો કન્ટેન્ટ નિયંત્રિત કરવા માટે જે દિશાનિર્દેશો તૈયાર કરાયા છે, તેનો રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરવો ફરજિયાત રહેશે. કોર્ટે ખાસ ભાર મૂક્યો કે આ દિશાનિર્દેશો તૈયાર કરતી વખતે ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (NBSA) તેમજ વિવિધ રાષ્ટ્રીય પ્રસારણકર્તાઓ અને ડિજિટલ એસોસિએશન્સની સલાહ અવશ્ય લેવાઈ જોઈએ. આ સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા દિશાનિર્દેશો માત્ર ઔપચારિકતા માટે ન હોવા જોઈએ, પરંતુ તેમાં ઉલ્લંઘન કરનારાઓ માટે સ્પષ્ટ અને અસરકારક પરિણામો નક્કી થવા જોઈએ, જેથી કોઈ પણ વ્યક્તિ જવાબદારીથી બચી ન શકે.
સુપ્રીમ કોર્ટે આ સુનાવણી દરમિયાન સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થઈ રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે અનેક ઈન્ફ્લુએન્સર્સ પોતાના વ્યાપારી હિત માટે આ સ્વતંત્રતાનું વ્યાપારીકરણ કરી રહ્યા છે, જેના કારણે મહિલાઓ, દિવ્યાંગો, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને લઘુમતીઓ જેવી સંવેદનશીલ વર્ગોની લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી શકે છે. ખાસ કરીને પોડકાસ્ટ જેવા ઓનલાઈન શો પણ આ નિયમોની વ્યાખ્યામાં આવવા જોઈએ, કારણ કે તેમની લોકપ્રિયતા વધતા સમાજ પર સીધી અસર પડે છે.
આ ટિપ્પણીઓ સુપ્રીમ કોર્ટએ એ સમયે કરી જ્યારે તે કોમેડિયન સમય રૈના વિરુદ્ધ ચાલતા એક કેસની સુનાવણી કરી રહી હતી. સમય રૈનાએ પોતાના એક કોમેડી એક્ટ દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓ વિશે સંવેદનહીન મજાક કર્યો હતો, જેને કોર્ટએ “અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ” ગણાવ્યો. જસ્ટિસ બાગચીએ કહ્યું કે હાસ્ય જીવનનો અભિન્ન ભાગ છે, પરંતુ સંવેદનશીલ સમુદાયો પર મજાક કરવું બંધારણીય મૂલ્યોના વિરુદ્ધ છે. જસ્ટિસ સૂર્યકાંતે વધુમાં ઉમેર્યું કે દિવ્યાંગ વ્યક્તિઓને લઈને મજાક કરવાથી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો દેશનો બંધારણીય ઉદ્દેશ્ય જ બગડે છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને યાદ અપાવ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સમાજના વિવિધ વર્ગોના સન્માનપૂર્ણ જીવનના અધિકાર વચ્ચે સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે. હવે આ કેસની આગામી સુનાવણી નવેમ્બરમાં થવાની છે, જ્યાં સરકાર દ્વારા રજૂ કરાયેલા દિશાનિર્દેશોનું વિશ્લેષણ કરવામાં આવશે. આ નિર્ણયથી સ્પષ્ટ છે કે ભવિષ્યમાં યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સને પોતાના કન્ટેન્ટ માટે વધારે જવાબદાર અને સંયમિત રહેવું પડશે, કેમ કે નવા નિયમોનો સીધો અસરકારક અમલ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel