અમદાવાદ સિવિલ હોસ્પિટલ, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અને જ્યાં ગુજરાતભરના હજારો દર્દીઓ રોજ સારવાર માટે આવે છે, ત્યાં દર્દીઓના સગાઓ માટે મોટી રાહતના સમાચાર છે. હોસ્પિટલ કેમ્પસમાં જ આધુનિક સુવિધાઓથી સજ્જ આઠ માળનું ‘રેન બસેરા’ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, જે ટૂંક સમયમાં દર્દીઓના સગાઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ નવી સુવિધા 1200 બેડની હોસ્પિટલની સામે અને નવા પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં નવનિર્મિત છે.
‘રેન બસેરા’માં રહેવા, જમવા તેમજ નહાવા-ધોવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી દૂરદર વિસ્તારોમાંથી આવતા દર્દીઓના સગાઓને હવે બહાર મોંઘી હોટેલોમાં રહેવાનું કે રસ્તા પર રાત ગાળવાની ફરજ નહીં પડે. અહીં 800થી વધુ લોકો રહી શકે તેવા ડોરમેટરી રૂમ્સ બનાવવામાં આવ્યા છે. દરેક પાર્ટિશનમાં અલગ બેડ, વ્યક્તિગત સામાન રાખવા માટે તિજોરી, બેડ પાસે મોબાઇલ ચાર્જિંગ પ્લગ, લાઈટ અને પંખાની સુવિધા ઉપલબ્ધ છે.
દરેક માળે પુરુષ અને મહિલાઓ માટે અલગ ટોઇલેટ બ્લોક્સ, ત્રણ બાથરૂમ અને ત્રણ શૌચાલયની વ્યવસ્થા છે. આરામદાયક રહેવાની સાથે ખાવા-પીવાની સુવિધા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં એક સાથે 300 લોકો માટે ટેબલ-ખુરશીઓ અને વોશિંગ એરિયાની વ્યવસ્થા છે.
આ રેન બસેરામાં સફાઈ અને સુરક્ષાનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. CCTV કેમેરા, રીસેપ્શન ડેસ્ક અને 24 કલાક સ્ટાફની હાજરી રહેશે. સાથે જ, સગાઓને આર્થિક રીતે સહાયરૂપ રહે તે માટે કિફાયતી કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. આ પ્રોજેક્ટથી હોસ્પિટલમાં આવનારા દર્દીઓના પરિવારજનોને આરામદાયક અને સુરક્ષિત રહેવાની મોટી સહૂલિયત મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel