નડિયાદમાં ગરીબ આદિવાસીઓને આર્થિક લાલચ આપી ધર્માંતરણ કરાવવાના ગંભીર અને ચકચારી કેસમાં કોર્ટે કડક વલણ દાખવ્યું છે. આ કેસના મુખ્ય આરોપી સ્ટિવન મેકવાન દ્વારા દાખલ કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજીને નડિયાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટએ ગુનાની ગંભીરતા, આરોપોની પ્રાથમિક મજબૂતતા અને તપાસની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપવા ઇનકાર કર્યો છે.
કેસની વિગતો મુજબ, દાહોદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા ગરીબ આદિવાસી પરિવારોને નોકરી, પૈસા, સારવાર અને અન્ય સુવિધાઓના લાલચ આપી તેમનું ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરણ કરાવવાનું સુવ્યવસ્થિત રેકેટ ચાલતું હતું. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ પ્રવૃત્તિ માટે વિદેશમાંથી ફંડિંગ કરવામાં આવતું હતું અને આ નાણાંનો ઉપયોગ મિશનરી પ્રવૃત્તિઓ, સભાઓ અને લાલચ આપવાના કામ માટે થતો હતો.
આ મામલે સ્ટિવન મેકવાન, સ્મિતુલ મહિડા સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, IPCની વિવિધ કલમો તેમજ વિદેશી ફંડિંગ સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી સ્ટિવન મેકવાને જેલમાંથી મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી બહાર આવશે તો પુરાવાઓ સાથે ચેડાં થવાની અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા છે.
કોર્ટએ આ દલીલો સ્વીકારી અને કહ્યું કે કેસમાં હજુ તપાસ ચાલુ છે તેમજ કેટલાક આરોપીઓ હજુ ફરાર છે. તેથી હાલના તબક્કે જામીન આપવું યોગ્ય નથી. નોંધનીય છે કે આ ધર્માંતરણ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે અને તપાસમાં વિદેશી ફંડિંગના નેટવર્કની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel