દેશભરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસર પર શુક્રવાર, 23 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહોત્સવને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સમગ્ર દેશ માટે આ એક ગૌરવપૂર્ણ અને પવિત્ર ક્ષણ છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચાયેલી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દ્વિશતાબ્દી ઉજવણીમાં સહભાગી બનવાનું સૌભાગ્ય મળ્યું હોવાનું જણાવતાં તેમણે તમામ સંતો, હરિભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો અનુયાયીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાને પોતાના ભાષણમાં ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત હજારો વર્ષોથી જ્ઞાનયોગને સમર્પિત રહ્યું છે અને વેદ, ઉપનિષદ, પુરાણ, શ્રુતિ-સ્મૃતિ જેવી પરંપરાઓ આજે પણ માનવજાત માટે પ્રેરણારૂપ છે. સમયાંતરે ઋષિ-મુનિઓ અને મહાત્માઓએ આ જ્ઞાન પરંપરાને સમયની જરૂરિયાત મુજબ વિકસાવી અને સમાજ સુધી પહોંચાડી છે. આ પરંપરામાં ભગવાન સ્વામિનારાયણનું યોગદાન અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે પોતાના જીવનના અનુભવોથી સમાજને સરળ અને વ્યવહારુ શિક્ષણ આપ્યું અને શિક્ષાપત્રીના માધ્યમથી જીવનને સત્ય, સંયમ, સેવા અને નૈતિકતાના માર્ગે ચલાવવાનું અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.
भगवान स्वामीनारायण का जीवन साधना के साथ-साथ सेवा की भी प्रतिमूर्ति था।
आज उनके अनुयायियों द्वारा समाज, राष्ट्र और मानवता की सेवा के कितने ही अभियान चल रहे हैं।
शिक्षा और स्वास्थ से जुड़े प्रकल्प, किसान कल्याण के संकल्प, जल से जुड़े अभियान वास्तव में सराहनीय है।
आप सभी संतजनों… pic.twitter.com/OIoAhiYhZi
— BJP (@BJP4India) January 23, 2026
દ્વિશતાબ્દી ઉજવણીને આત્મમંથનનો અવસર ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આ પ્રસંગ આપણને વિચારવાની તક આપે છે કે શિક્ષાપત્રીમાંથી આપણે શું શીખી રહ્યા છીએ અને તેના આદર્શોને આપણા જીવનમાં કેટલા પ્રમાણમાં ઉતારી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના સાથે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ છે. આજે તેમના અનુયાયીઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, ખેડૂત કલ્યાણ, પાણી સંરક્ષણ અને માનવતાની સેવા જેવા અનેક ક્ષેત્રોમાં કરવામાં આવતું કાર્ય પ્રશંસનીય છે અને સમગ્ર સમાજને પ્રેરણા આપે છે.
વડાપ્રધાને ‘વોકલ ફોર લોકલ’ અને સ્વદેશી અભિયાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશ આજે જન આંદોલનોના માધ્યમથી સ્વચ્છતા, સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક પ્રયાસોને પ્રોત્સાહન આપી રહ્યો છે. જો સ્વામિનારાયણ સંપ્રદાય જેવા પ્રબુદ્ધ સંગઠનો આ અભિયાનોમાં સક્રિય ભાગ લેશે તો શિક્ષાપત્રી દ્વિશતાબ્દીની ઉજવણી વધુ અર્થસભર અને યાદગાર બનશે. સાથે જ તેમણે ‘જ્ઞાન ભારતમ મિશન’નો ઉલ્લેખ કરીને પ્રાચીન હસ્તપ્રતો અને ભારતના વૈભવી જ્ઞાન વારસાને સાચવવા માટે તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને યોગદાન આપવા અપીલ કરી હતી.
સંબોધનના અંતમાં વડાપ્રધાને સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના પ્રથમ વિનાશ પછીના હજાર વર્ષની યાત્રાને ઉજવતો આ સાંસ્કૃતિક ઉત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોને આ પર્વ સાથે જોડાવા અને તેના ઉદ્દેશ્યો જન-જન સુધી પહોંચાડવા વિનંતી કરી હતી. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી ભારતની વિકાસ યાત્રા સતત આગળ વધતી રહેશે તેવી આશા વ્યક્ત કરતા પીએમ મોદીએ તમામ સંતો, હરિભક્તો અને અનુયાયીઓને ફરી એકવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel