ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં એક મોટો સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. નવી વ્યવસ્થા મુજબ, હવે ખાતાધારકો મોબાઈલ નંબર પોર્ટની જેમ પોતાનો બેંક એકાઉન્ટ નંબર બદલ્યા વગર સરળતાથી બેંક બદલી શકશે. આ પગલું ‘Payments Vision 2028’ હેઠળ ગ્રાહકોને વધુ સગવડ અને સ્વતંત્રતા આપવા માટે લેવામાં આવી રહ્યું છે.
ડોક્યુમેન્ટ્સની ઝંઝટમાંથી પણ મળશે છૂટકારો
હાલના સમયમાં, જો કોઈ ગ્રાહક બેંક બદલવા ઈચ્છે તો તેને નવો એકાઉન્ટ નંબર મેળવવો પડે છે અને સાથે જ અનેક ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. પગાર, EMI, મ્યુચ્યુઅલ ફંડ (SIP), વીમા પ્રિમિયમ, ગેસ સબસિડી અને વીજળી-પાણી બિલ જેવી તમામ સેવાઓ માટે નવી વિગતો અપડેટ કરવી પડે છે, જે સમયખાઉ અને મુશ્કેલ પ્રક્રિયા છે. ઘણીવાર માહિતીમાં ભૂલ થતાં ટ્રાન્ઝેક્શન ફેલ થવાની સમસ્યા પણ ઊભી થાય છે.
આવી રીતે કામ કરશે નવી સિસ્ટમ
RBIની પ્રસ્તાવિત નવી સિસ્ટમ આ તમામ મુશ્કેલીઓને દૂર કરશે. આ સિસ્ટમ હેઠળ ગ્રાહકનો એકાઉન્ટ નંબર કાયમી બની જશે. જ્યારે ગ્રાહક બેંક બદલી શકે છે, ત્યારે નવી બેંક તે જ એકાઉન્ટ નંબરને પોતાની સિસ્ટમમાં ઇન્ટિગ્રેટ કરી દેશે. RBI દ્વારા એક સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં ગ્રાહકના તમામ ઓટો-પેમેન્ટ્સ, બિલ પેમેન્ટ્સ અને રોકાણ સંબંધિત માહિતી સુરક્ષિત રીતે સંગ્રહિત રહેશે.
આ નવી વ્યવસ્થા અમલમાં આવ્યા પછી, બેંક બદલતા જ તમામ સેવાઓ આપોઆપ નવી બેંક સાથે જોડાઈ જશે. એટલે કે ગ્રાહકોને ફરીથી કોઈ પણ વિગતો અપડેટ કરવાની જરૂર નહીં રહે.
આ પગલાથી બેંકો વચ્ચે સ્પર્ધા વધવાની સંભાવના છે. જો કોઈ બેંક ગ્રાહકોને સંતોષકારક સેવા ન આપે અથવા વધુ ચાર્જ વસૂલે, તો ગ્રાહક સરળતાથી બીજી બેંકમાં પોર્ટ કરી શકશે. આથી બેંકોની મનમાની પર પણ રોક લાગી શકે છે અને ગ્રાહકોને વધુ સારી અને પારદર્શક સેવાઓ મળશે.
આ ઉપરાંત, આ સિસ્ટમ દેશના ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ મજબૂત બનાવશે અને બેન્કિંગ ક્ષેત્રમાં પારદર્શિતા વધારશે. RBIની આ પહેલને કારણે આગામી સમયમાં બેન્કિંગ અનુભવ વધુ સરળ, ઝડપી અને ગ્રાહકમૈત્રી બનવાની અપેક્ષા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel