કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવિકો મોજ માણી રહ્યાં છે.
ગોહિલવાડના પાલિતાણા શત્રુંજય વિસ્તારમાં કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગત શનિવારથી મોરારિબાપુ દ્વારા રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ ગાન થઈ રહ્યું છે.
રામચરિત માનસ બાલકાંડ ચોપાઈ પંક્તિ ‘હરિ ઈચ્છા ભાવી બલવાના, હૃદય બિચારત શંભુ સુજાના તબ સંકર પ્રભુ પદ સિરુ નાવા, સુમિરત રામુ હૃદય અસ આવા એહિ તન સતિહિ ભેટ મોહી નાહીં, સિવ સંકલ્પુ કીન્હ મન માહીં’ કેન્દ્રમાં રાખી મોરારિબાપુ દ્વારા રામકથા ગાન કરતાં આજે છઠ્ઠા દિવસે બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. મોરારિબાપુએ આ સપ્તકનો ‘સા’ એટલે ‘સાધુ’ ગણાવી, સનાતન ધર્મના આ સપ્તકનો સાધુ એ શંકર છે, તેમ ભાવ વ્યક્ત કર્યો.
મોરારિબાપુએ કથાગાન કરતાં કહ્યું કે, સાધનાને જીવનથી અલગ ન ગણવી, પણ જીવન જ આપણાં સંસારીઓ માટે અનુષ્ઠાન છે, તેમ સમજવું. સાંપ્રત વૈશ્વિક સ્થિતિ સંદર્ભે અણુશસ્ત્રો નહીં પરંતુ અણુવ્રત દુનિયામાં જરૂરી હોવાનું જણાવી મોરારિબાપુએ જૈન સાધના ભક્તિ પધ્ધતિનો સાદર ઉલ્લેખ કર્યો.
રામકથા પ્રવાહમાં આગળ વધતાં મોરારિબાપુએ શિવ ચરિત્રમાં દક્ષ યજ્ઞ અને સતી પ્રસંગ વર્ણન પ્રસ્તુત કર્યું.
રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ લાભ લેવાં જાનકીદાસ મહારાજ, લહેરગિરી મહારાજ સહિત સંતો, મહંતો, કથાકારો, વક્તાઓ જોડાયાં હતાં. જાણીતા સાક્ષરો નીતિનભાઈ વડગામા, જયભાઈ વસાવડા અને કાર્યકર્તા દિલીપભાઈ સખિયા સહિત મહાનુભાવોએ કથામૃત લાભ લીધો.
દિલીપભાઈ રાજ્યગુરુના પ્રારંભિક સંચાલન સાથે કથા વ્યવસ્થા સેવામાં મૂકેશગિરિ મહારાજ સાથે સેવાભાવી અગ્રણીઓ કાર્યકર્તાઓ જોડાયાં છે.
અહીંયા સુરેશભાઈ ગોટી, દિનેશભાઈ પટેલ, હર્ષરાજસિંહ સરવૈયા, ભરતભાઈ રાણીંગા, નરેન્દ્રભાઈ ત્રિવેદી, લાલજીભાઈ જોગરાણા સહિત આસપાસના પંથકના સેવાભાવી સેવક કાર્યકર્તાઓનું સુંદર સેવા સંકલન રહ્યું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel