દેશભરમાં કફ સિરપના વેચાણ અને ઉપયોગ અંગે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કફ સિરપને ‘શેડ્યૂલ K’ની યાદીમાંથી બહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ હવે કોઈપણ વ્યક્તિ ડૉક્ટરની ચબરખી વગર મેડિકલ સ્ટોર પરથી કફ સિરપ ખરીદી શકશે નહીં.
અત્યાર સુધી કેટલીક કફ સિરપ એવી હતી જે ઓવર-ધ-કાઉન્ટર (OTC) ઉપલબ્ધ હતી અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળી શકતી હતી. નવા નિયમો અમલમાં આવ્યા બાદ હવે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવું કાયદાકીય રીતે ફરજિયાત બનશે.
જોકે ઉધરસ માટેની કેટલીક ગોળીઓ અને અન્ય OTC દવાઓને હાલના નિયમોમાંથી બહાર રાખવામાં આવી છે.
બાળકોના મોત બાદ સરકારનું મોટું પગલું
આ નિર્ણય પાછળ છેલ્લા કેટલાક વર્ષોમાં સામે આવેલા ગંભીર કિસ્સાઓ મુખ્ય કારણ બન્યા છે. ખાસ કરીને મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં દૂષિત કફ સિરપના સેવન બાદ 22 બાળકોનાં મોત થયાં હોવાની ઘટના બાદ કેન્દ્ર સરકાર પર કડક પગલાં લેવા માટે દબાણ વધ્યું હતું.
આ ઉપરાંત રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ બાળકોના મોત અને ગંભીર આડઅસરોના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય મંત્રાલયે ડિસેમ્બર મહિનામાં ડ્રાફ્ટ માર્ગદર્શિકા જાહેર કરીને નિષ્ણાતો અને હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા હતા. હવે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
કોડીન અને અન્ય શક્તિશાળી સિરપ પર પણ લાગુ થશે નિયમ
નવા નિયમો માત્ર સામાન્ય કફ સિરપ પૂરતા મર્યાદિત નથી. કોડીન જેવી નશાકારક તત્ત્વો ધરાવતી અને વ્યસનનું જોખમ ઉભું કરતી સિરપ પણ આ નિયમ હેઠળ આવશે.
નિષ્ણાતોનું માનવું છે કે ડૉક્ટરની સલાહ વિના કફ સિરપનો ઉપયોગ ઘણા કિસ્સાઓમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને નાના બાળકોમાં દવાઓનો ખોટો ડોઝ ગંભીર આરોગ્ય સમસ્યાઓ સર્જી શકે છે.
ડેક્સ્ટ્રોમેથોર્ફન જેવી દવાઓથી બાળકોને જોખમ
ચિકિત્સા નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટલીક કફ સિરપમાં ડેક્સ્ટ્રોમેથોર્ફન (Dextromethorphan) જેવા શક્તિશાળી તત્ત્વો હોય છે. ચારથી છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આવી દવાઓ જોખમી સાબિત થઈ શકે છે.
સરકારનું માનવું છે કે નવા નિયમો દ્વારા બાળકોમાં આ દવાઓના બિનજરૂરી અને અસુરક્ષિત ઉપયોગને અટકાવી શકાશે.
ઝેરી કેમિકલ્સના કારણે અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે
ડ્રગ કન્સલ્ટેટિવ કમિટીની બેઠક દરમિયાન રજૂ થયેલા અહેવાલોમાં જણાવાયું હતું કે કફ સિરપના ઉત્પાદનમાં વપરાતા કેટલાક ઘટકોમાં ઇથિલિન ગ્લાયકોલ (EG) અને ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) જેવા ઝેરી તત્ત્વો ભળી જવાનો ખતરો રહે છે.
મધ્ય પ્રદેશમાં બાળકોના મોત માટે જવાબદાર ગણાયેલી સિરપના નમૂનાઓમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ 48.6 ટકા સુધી જોવા મળ્યું હતું, જ્યારે સ્વીકાર્ય મર્યાદા માત્ર 0.1 ટકા છે.
આ પ્રકારની દૂષિતતા શરીરના કિડની, લિવર અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ભારત અને વિદેશમાં પણ સર્જાઈ ચૂક્યો છે વિવાદ
દૂષિત કફ સિરપના કારણે ભારતમાં અગાઉ પણ અનેક ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. વર્ષ 2020માં જમ્મુ-કાશ્મીરમાં 17 બાળકોનાં મોત થયાં હતાં, જ્યારે 1998માં ગુરુગ્રામમાં 33 બાળકોના મોતનો કિસ્સો નોંધાયો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય કંપનીઓ દ્વારા નિકાસ કરાયેલી કેટલીક કફ સિરપને લઈને વિવાદ સર્જાયો હતો. વર્ષ 2022માં ગેમ્બિયામાં 70 અને ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોનાં મોત બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ વૈશ્વિક એલર્ટ જાહેર કર્યું હતું.
બાળકોની સુરક્ષા માટે જરૂરી નિર્ણય ગણાયો
સરકારે અગાઉ નિકાસ માટે તૈયાર થતી તમામ કફ સિરપની બેચનું સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ ફરજિયાત બનાવ્યું હતું. જોકે દેશની અંદર વેચાતી દવાઓ અંગે હજુ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે નવા નિયમોથી સામાન્ય લોકોને શરૂઆતમાં થોડી અસુવિધા થઈ શકે છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય અને જીવનની સુરક્ષા માટે આ એક અત્યંત જરૂરી અને પ્રશંસનીય પગલું છે.
સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ દવાઓના જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને દૂષિત અથવા ખતરનાક દવાઓના જોખમથી લોકોને બચાવવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel