આજે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી જ મા ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોનો ઉમટારો જોવા મળ્યો હતો. મંગળા આરતી અને શણગાર આરતી દરમિયાન ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
નગરયાત્રા મંદિરથી પ્રસ્થાન કર્યા બાદ વિવિધ પોળ અને વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. ચકલેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતાં જ સ્થાનિક રહેવાસીઓએ માતાજીના રથ પર પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન “અમદાવાદની મા ભદ્રકાળી લીલા લેર કરાવે” જેવા ભજન પર ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
હાલ નગરદેવીની યાત્રા ખાડિયા વિસ્તારમાં પહોંચી છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા છે. અહીંથી પસાર થતી કારમાંથી ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. યાત્રાના માર્ગ પર અનેક સ્થળોએ લોકો દ્વારા ધજા-પતાકા અને ફૂલોથી માતાજીના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે.
મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે નગરયાત્રાનો માર્ગ લગભગ 8.5 કિલોમીટર લાંબો રાખવામાં આવ્યો છે. ગત વર્ષની તુલનામાં આ વખતે રૂટમાં બે નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે યાત્રા ખાડિયા ઉપરાંત રાયપુર વિસ્તારથી પણ પસાર થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રથના પ્રસ્થાન માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવવાના હતા, પરંતુ અંતિમ ક્ષણે તેઓ આવી શક્યા નહોતાં. તેમની જગ્યાએ શહેરના મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા હતા.
મેયર પ્રતિભા જૈન તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના હસ્તે પહિંદ વિધિ કરીને નગરયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પહિંદ વિધિ પૂર્ણ થતા જ અખાડા, ભજન મંડળીઓ અને ઢોલ-નગારા સાથે માતાજીના રથને નગરચર્યાએ લઈ જવાયો હતો. ધજા-પતાકા અને અખાડાના કરતબો સાથે યાત્રા ત્રણ દરવાજા તરફ આગળ વધી હતી.
આ વિશેષ દિવસે મંદિરને ઓર્કિડ અને ગલગોટાના ફૂલોથી વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના પ્રાંગણમાં ભક્તો ઢોલ અને ડાકલાના તાલે ઝૂમી રહ્યા છે અને માતાજીના ભક્તિગીતો ગાઈ રહ્યા છે. રાવળ દેવ દ્વારા ડાકલાના તાલે માતાજીને રથમાં વિરાજિત કરવામાં આવ્યા હતા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
નગરયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર અને યાત્રામાર્ગ પર 350થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. માતાજીના રથના પ્રસ્થાન પહેલા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ રીતે મા ભદ્રકાળીની નગરયાત્રાએ અમદાવાદમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જ્યો છે, જ્યાં હજારો ભક્તોએ માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel