અજંતા ગુફાઓમાં મળેલા પ્રાચીન ચિત્રોના આધાર પર લગભગ 2,000 વર્ષ જૂની ભારતીય જહાજ નિર્માણ ટેકનિકથી તૈયાર કરાયેલું આઈએનએસવી કૌડિન્ય ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનું જીવંત પ્રતીક બનવા જઈ રહ્યું છે. ડિસેમ્બરના અંતમાં આ અનોખું જહાજ પોરબંદરથી ઓમાન તરફ ઐતિહાસિક યાત્રા માટે રવાના થશે, જેને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લીલી ઝંડી આપશે.
નાળિયેરના દોરડાથી સીવેલા લાકડાના પાટિયાંથી બનેલું આ જહાજ સંપૂર્ણપણે ખીલાવિહિન છે અને તેમાં એન્જિન કે જીપીએસ જેવી આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરાયો નથી. કાપડના સઢ દ્વારા પવનની મદદથી આગળ વધતું આ જહાજ પ્રાચીન યુગમાં નાવિકો કેવી રીતે સમુદ્રયાત્રા કરતા હતા તેની ઝાંખી આપે છે.
વર્ષો જૂના ભારતના ભવ્ય દરિયાઈ વેપાર ઇતિહાસને પ્રતિબિંબિત કરતા આ જહાજનું નામ મહાન ખલાસી ‘કૌડિન્ય’ પરથી રાખવામાં આવ્યું છે, જે પ્રાચીન સમયમાં ભારત અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચેના વેપાર માટે જાણીતો હતો. આવા પરંપરાગત જહાજ ચલાવવાનો આજના સમયમાં કોઈને અનુભવ ન હોવાથી, ક્રૂના સભ્યો છેલ્લા ઘણા મહિનાઓથી વિશેષ તાલીમ લઈ રહ્યા છે.
ભારત સરકારે 2023માં દેશના પ્રાચીન જહાજ નિર્માણ કૌશલ્યને વૈશ્વિક મંચ પર રજૂ કરવા માટે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ગોવાની એક કંપનીએ પરંપરાગત ‘ટાંકા પદ્ધતિ’ અપનાવી આ જહાજનું નિર્માણ કર્યું છે. આ ઐતિહાસિક યાત્રા દ્વારા વિશ્વને ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક સમજ, દરિયાઈ કુશળતા અને સાંસ્કૃતિક વારસાની ઝલક મળશે, જે ભારતના સમુદ્ર સાથેના હજારો વર્ષ જૂના સંબંધોને ફરીથી ઉજાગર કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel