મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક જીત નોંધાવી છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ રાજ્યની 286 નગર પરિષદો અને નગર પંચાયતોમાંથી 224 બેઠકો જીતીને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સાંજે 7 વાગ્યા સુધી મળેલા પરિણામો અનુસાર મહાયુતિના સાથી પક્ષોમાં શિવસેના (એકનાથ શિંદે)ને 58 અને એનસીપી (અજિત પવાર)ને 37 બેઠકો મળી છે. જ્યારે વિપક્ષી મહાવિકાસ આઘાડી માત્ર 51 બેઠકો સુધી સીમિત રહી છે. આમાં કોંગ્રેસે 31 બેઠકો જીતેલી છે, જ્યારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર)ને દસ-દસ બેઠકો મળી છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે કુલ ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી લગભગ 48 ટકા ભાજપના સિમ્બોલ પર જીત્યા છે, જે પક્ષની સંગઠન શક્તિ અને સરકારના વિકાસ એજન્ડા પર જનતાના વિશ્વાસને દર્શાવે છે. રાજ્યમાં કુલ 288 નગર પરિષદો અને નગર પંચાયતો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી અને રવિવારે સવારે મતગણતરી શરૂ થઈ હતી. પરિણામો સામે આવતાં જ વિપક્ષે ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ ચૂંટણી પંચ પર મહાયુતિને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધને વ્યંગ્યમાં ચૂંટણી પંચને અભિનંદન પાઠવ્યા, જ્યારે શિવસેનાના સંજય રાઉતે ઈવીએમમાં ચેડા અને પૈસાના દુરુપયોગના આરોપ લગાવ્યા. પાર્ટીના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે મહાયુતિની જીત પૈસા અને સત્તાના દબાણ પર આધારિત છે.
આ તરફ ભાજપે આ તમામ આરોપોને ફગાવી દેતાં તેને સ્પષ્ટ જનાદેશ ગણાવ્યો છે. રાજ્ય ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું કે જનતાએ વિપક્ષના ખોટા નેરેટિવને નકારી કાઢ્યો છે અને આ પરિણામો વિકાસ અને કાર્યક્ષમ શાસનના પક્ષમાં આવેલા જનમતને દર્શાવે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ જીતને પાર્ટીના કાર્યકરોની મહેનતનો વિજય ગણાવ્યો, જ્યારે મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે મહાયુતિ બે તૃતીયાંશ બેઠકો પર આગળ છે. તેમણે ઉમેર્યું કે ભાજપે અંદાજે 3,300 કાઉન્સિલરો ચૂંટીને નવો રેકોર્ડ બનાવ્યો છે અને ફરી એકવાર સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે.
જો કે, વિપક્ષને કેટલીક જગ્યાએ નોંધપાત્ર સફળતા પણ મળી છે. ચંદ્રપુર જિલ્લાના બ્રહ્મપુરી મ્યુનિસિપલ કાઉન્સિલમાં કોંગ્રેસે અધ્યક્ષ પદ સાથે 23માંથી 21 બેઠકો જીતી છે. સાંગલી જિલ્લાના ઉરુન-ઈશ્વરપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં એનસીપી (શરદ પવાર)એ 23 બેઠકો પર જીત મેળવી છે. પાલઘર જિલ્લામાં શિવસેનાએ પાલઘર અને દહાણુમાં અધ્યક્ષ પદ મેળવ્યા છે, જ્યારે ભાજપે જવાહર અને વાડા નગર પરિષદોમાં જીત નોંધાવી છે. કુલ મળીને, પરિણામોએ મહારાષ્ટ્રની સ્થાનિક રાજનીતિમાં મહાયુતિના મજબૂત પ્રભુત્વને વધુ સ્પષ્ટ કર્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel