ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હિંસા અને રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતે વધુ એક મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યો નિર્ણય લીધો છે. શેખ હસીનાને સત્તાથી હટાવ્યા બાદ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ હજુ સુધી સંપૂર્ણ રીતે સામાન્ય થઈ શકી નથી. ખાસ કરીને લઘુમતી હિન્દુઓ સામે હિંસાના બનાવોમાં વધારો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેને લઈને ભારત સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં મીડિયા અહેવાલો અનુસાર ભારત સરકારે બાંગ્લાદેશમાં તૈનાત પોતાના રાજદૂતોના પરિવારજનોને તાત્કાલિક ભારત પરત ફરવાના નિર્દેશ આપ્યા છે.
સૂત્રો અનુસાર, બાંગ્લાદેશમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને શક્ય અશાંતિના જોખમને જોતા આ નિર્ણય અગમચેતીના ભાગરૂપે લેવામાં આવ્યો છે. ભારત સરકાર રાજદૂતોના પરિવારજનોની સુરક્ષા અંગે કોઈ જોખમ લેવું નથી ઈચ્છતી, તેથી તેમને સ્વદેશ પરત ફરવાની સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે બાંગ્લાદેશના ઢાકા ઉપરાંત ચટગાંવ, ખૂલના, રાજશાહી અને સિલહટમાં ભારતની દૂતાવાસ અને કાઉન્સ્યુલેટ કાર્યરત છે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીય અધિકારીઓ અને સ્ટાફ તૈનાત છે. આ નિર્ણય માત્ર પરિવારજનો માટે લાગુ પડે છે, જ્યારે રાજદૂત અને જરૂરી અધિકારીઓ હાલ ત્યાં જ પોતાની ફરજ નિભાવશે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024માં શેખ હસીનાની વિદાય બાદ બાંગ્લાદેશમાં વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર રચાઈ હતી. ત્યારબાદથી જ દેશમાં કટ્ટરપંથી તત્વો સક્રિય બન્યા હોવાના આરોપો લાગી રહ્યા છે અને હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. ખાસ કરીને લઘુમતી હિન્દુ સમુદાય પર થતા હુમલાઓને લઈને ભારતે અનેક વખત બાંગ્લાદેશ સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. આ તમામ પરિસ્થિતિઓને જોતા ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં પણ સ્પષ્ટ તણાવ જોવા મળી રહ્યો છે. રાજદૂતોના પરિવારજનોને પરત બોલાવવાનો નિર્ણય આ તણાવપૂર્ણ સ્થિતિ અને સુરક્ષા ચિંતાનો સીધો પ્રતિબિંબ માનવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel