ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી પૂર્ણ થાય તે પહેલાં Aam Aadmi Party (AAP)ને વધુ એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પોતાના તમામ હોદ્દાઓ અને સભ્યપદમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલાં રાજુ કરપડાએ પણ પાર્ટી છોડી હતી, જેને કારણે ગુજરાતમાં AAPના સંગઠનમાં સતત ગાબડું પડતું જોવા મળી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર ભાવુક વિદાય
સાગર રબારીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાવુક પોસ્ટ શેર કરીને પાર્ટી છોડવાની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, “હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા અહીં પૂર્ણ કરું છું અને પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને તમામ જવાબદારીઓમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ હું તમામ સાથીઓનો દિલથી આભાર માનું છું.”
આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
ખેડૂત નેતા તરીકે મજબૂત ઓળખ
સાગર રબારીને ગુજરાતમાં ખેડૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. AAP માટે તેઓ મજબૂત સ્તંભ ગણાતા હતા.
તેમના રાજીનામાથી પાર્ટીના ગ્રાઉન્ડ લેવલ પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચૂંટણી પહેલા વ્યૂહરચના પર અસર
રાજુ કરપડા બાદ હવે સાગર રબારીના રાજીનામાથી AAP માટે આગામી ચૂંટણીમાં વ્યૂહરચના ગોઠવવી વધુ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને ગ્રામ્ય અને ખેડૂત વર્ગમાં પાર્ટીની પકડ પર તેની અસર પડી શકે છે.
આગળ શું કરશે સાગર રબારી?
હાલ સુધી સાગર રબારી કયા પક્ષમાં જોડાશે અથવા તેઓ કોઈ નવી રાજકીય દિશા પસંદ કરશે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેમના આ પગલાથી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો ઉભા થવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel