ભાવનગર જિલ્લાના બગદાણા ગામના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નેતા નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ વધુ તેજ બની છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. SIT એ જયરાજને આજે 21 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ભાવનગર રેન્જના આઈજી કચેરી ખાતે હાજર થવાનો આદેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ, SIT કેસના તમામ પાસાં ઊંડાણપૂર્વક તપાસી રહી છે. સોમવારે 19 જાન્યુઆરીના રોજ ફરિયાદી નવનીત બાલધિયાની લગભગ ત્રણ કલાક સુધી વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમણે જયરાજ આહીર વિરુદ્ધ 15 જેટલા પુરાવા રજૂ કર્યા હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત, કેસની શરૂઆતમાં તપાસ કરનારા બગદાણા પોલીસ મથકના તત્કાલીન મહિલા પી.આઈ. ડી.વી. ડાંગર અને અન્ય એક પી.આઈ.ને પણ SIT દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર વિવાદની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહીરના લોક ડાયરાથી થઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના ‘મેનેજિંગ ટ્રસ્ટી’ તરીકે ઓળખાવ્યા હતા. નવનીત બાલધિયાએ ત્યારબાદ ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં આવું કોઈ પદ અસ્તિત્વમાં નથી. માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગી હતી, પરંતુ નવનીત બાલધિયાના જણાવ્યા મુજબ આ માફી તેમના પુત્ર જયરાજને ન ગમતા તેણે હુમલાનું ષડયંત્ર રચ્યું.
આ ઘટનાના થોડા દિવસ બાદ, 29 ડિસેમ્બર 2025ની રાત્રે નવનીત બાલધિયા પર આઠ જેટલા અજાણ્યા શખસોએ પાઈપ અને ધોકા વડે ગંભીર હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટના બાદ ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં કોળી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન, આવેદનો અને આત્મવિલોપનના પ્રયાસો પણ સામે આવ્યા હતા. મામલાની ગંભીરતા અને સામાજિક સંવેદનશીલતાને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારના આદેશથી એક વરિષ્ઠ IPS અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી છે, જે હવે કેસની દરેક કડી તપાસી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel