કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) અંગે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોતા હજારો શરણાર્થીઓને રાહત મળી છે. અગાઉ આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયોને ભારતીય નાગરિકતા આપવા જોગવાઈ હતી, પરંતુ હવે આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2024 કરી દેવામાં આવી છે. આ નવા નિયમ મુજબ જો કોઈ હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાયના લોકો ધાર્મિક સતામણીના કારણે પોતાના દેશમાંથી ભાગીને 2024 સુધી ભારતમાં આવ્યા હોય, તો તેઓ પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો વિના પણ કાયદેસર રીતે ભારતમાં રહી શકે છે. આ આદેશ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળ બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે હજારો શરણાર્થીઓને કાયદાકીય રક્ષણ મળશે.
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવા શરણાર્થીઓના દસ્તાવેજો જો નથી કે પછી તેમની મુદત પૂરી થઈ ગઈ છે, તો પણ તેઓને ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. અગાઉ 2014 પછી આવેલા લોકો માટે કાયદાકીય સ્થિતિ અંગે અનિશ્ચિતતા હતી, જેના કારણે તેઓ મુશ્કેલીમાં હતા. પરંતુ નવા આદેશથી તેમની ચિંતા દૂર થઈ છે અને હવે તેઓ નિર્ભયતાથી ભારતમાં રહી શકે છે. આ નિર્ણયને એક માનવીય પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે તે ધાર્મિક સતામણીનો ભોગ બનેલા લોકોને નવા જીવનનો માર્ગ આપે છે. ખાસ કરીને પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ શરણાર્થીઓની મોટી સંખ્યા આ નિર્ણયથી સીધા લાભાન્વિત થશે.
સીએએ કાયદાની વાત કરીએ તો, તે 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 1955ના નાગરિકતા કાયદામાં સુધારો કરીને લવાયો હતો. તેનો મુખ્ય હેતુ પડોશી દેશોમાં ધાર્મિક સતામણી સહન કરનારા બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોને નાગરિકતા આપવાનો છે. આ કાયદો મુસ્લિમ સમુદાય પર લાગુ પડતો નથી, પરંતુ હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાય માટે જ છે, જેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આશરો લેવા માટે ભારતમાં આવ્યા છે. આ કાયદા હેઠળ આવા લોકો ગેરકાયદેસર પ્રવાસી ગણાતા નથી, જેનાથી તેમને કાયદાકીય કાર્યવાહીનો ભય રહેતો નથી.
નવી જાહેરાત સાથે સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત ધાર્મિક સતામણીનો ભોગ બનેલા લોકો માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઉભું છે. સાથે જ આ નિર્ણયથી વિદેશીઓ માટેના પાસપોર્ટ અધિનિયમ-1920 અને ફોરેનર્સ એક્ટ-1946 હેઠળની કેટલીક કડક જોગવાઈઓમાંથી પણ મુક્તિ મળી છે. આથી ધાર્મિક સતામણીના ભોગ બનેલા હજારો લોકો હવે ભારતમાં સ્થિર થઈ શકે છે, પોતાનું ભવિષ્ય બનાવી શકે છે અને ભારતીય સમાજમાં સમાન હકથી જીવી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel