જો તમે ક્યારેય લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હોય, તો “તમારો CIBIL સ્કોર કેટલો છે?” એવો સવાલ ચોક્કસ સાંભળ્યો હશે. અત્યાર સુધી ક્રેડિટ સ્કોર અપડેટ થવાની પ્રક્રિયા ધીમી હતી. તમે સમયસર EMI ભરી હોય અથવા ભૂલ સુધારી હોય, તો તેની અસર સ્કોરમાં દેખાવા માટે ઘણી વખત 10–15 દિવસ લાગતા હતા. પરંતુ હવે આ પ્રતીક્ષાનો અંત આવવાનો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ક્રેડિટ સિસ્ટમને વધુ રિયલ-ટાઈમ, પારદર્શક અને કડક બનાવવાના હેતુથી મોટો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ 2026થી ક્રેડિટ સ્કોર અપડેટ થવાની “ગેમ” સંપૂર્ણ બદલાઈ જશે. હવે તમારો CIBIL સહિતનો ક્રેડિટ સ્કોર માત્ર સાત દિવસમાં અપડેટ થશે, એટલે તમારી નાણાકીય આદતો – સારી હોય કે ખરાબ – બહુ જલ્દી સામે આવશે, જેનાથી બેંક અને ગ્રાહક બંનેને ફાયદો થશે.
નવા નિયમ મુજબ, અત્યાર સુધી જેમ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CICs) – જેમ કે TransUnion CIBIL, Experian વગેરે – દર 15 દિવસે ડેટા અપડેટ કરતી હતી, તે પ્રણાલી બદલાઈ જશે. હવે દર મહિને કુલ પાંચ વખત ડેટા રિફ્રેશ થશે. દર મહિને 7, 14, 21, 28 અને મહિના અંતે સ્કોર અપડેટ થશે. એટલે કે હવે સ્કોરમાં વિલંબ નહીં રહે અને EMI ચૂકવણી કે ચૂકની સીધી અસર તરત જોવા મળશે.
RBI એ માત્ર અપડેટની ફ્રિક્વન્સી જ નહીં, પરંતુ ડેટા મોકલવાની સંપૂર્ણ પ્રક્રિયા પણ સ્પષ્ટ કરી છે. દરેક બેંક અને NBFC ને મહિના અંતે તમામ એક્ટિવ લોન, ક્રેડિટ કાર્ડ અને તાજેતરમાં બંધ થયેલા એકાઉન્ટનો સંપૂર્ણ ડેટા આગામી મહિના ની 3 તારીખ સુધી CICs ને આપવો પડશે. આ ઉપરાંત, મહિના દરમિયાન થનારા વીકલી અપડેટમાં બેંકોને માત્ર નવો અથવા બદલાયેલો ડેટા મોકલવો પડશે, જેમ કે નવી લોન કે કાર્ડ, EMI ચુકવણી અથવા ચૂક, નામ-સરનામામાં ફેરફાર, ગેરેન્ટર બદલાવ, અથવા એકાઉન્ટ SMA થી NPA થવું. આ બદલાયેલો ડેટા બે દિવસની અંદર CICs ને આપવો ફરજિયાત રહેશે.
RBI એ બેદરકારી સામે પણ કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ બેંક અથવા NBFC સમયસર ડેટા ન આપે, તો CICs એ તેની જાણ RBI ને કરવી પડશે. આ રિપોર્ટ DAKSH પોર્ટલ પર વર્ષમાં બે વખત – 31 માર્ચ અને 30 સપ્ટેમ્બર – મોકલવામાં આવશે. એટલે હવે સિસ્ટમમાં ઢીલાશ માટે જગ્યા નહીં રહે.
સામાન્ય ગ્રાહકો માટે આ નિયમ બહુ મહત્વનો છે. જો તમે સમયસર EMI અને ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવો છો, તો સારો ક્રેડિટ સ્કોર હવે ઝડપથી દેખાશે. તેના કારણે લોન કે કાર્ડની મંજૂરીની શક્યતા વધશે અને વ્યાજદર પણ ઓછો મળી શકે છે. બીજી તરફ, જો તમે ચુકવણીમાં વિલંબ કરો છો, તો એક દિવસનો વિલંબ પણ ઝડપથી સ્કોરમાં દેખાઈ શકે છે, જેના કારણે ભવિષ્યમાં લોન મોંઘી પડી શકે છે અથવા રિજેક્ટ પણ થઈ શકે છે. પહેલાં જ્યાં ભૂલો થોડો સમય છુપાયેલી રહેતી હતી, હવે તે તરત સામે આવશે.
બેંકો અને NBFCs માટે પણ આ બદલાવ રિસ્ક મેનેજમેન્ટમાં ગેમ-ચેન્જર સાબિત થશે. તેમને હવે લેટેસ્ટ અને રિયલ-ટાઈમ ડેટા મળશે, જૂના સ્કોર પર આધાર રાખીને લોન આપવાની મજબૂરી નહીં રહે. ફ્રોડ અને ડિફોલ્ટનું જોખમ ઘટશે અને લોન પ્રક્રિયા વધુ જવાબદાર અને સુરક્ષિત બનશે.
ક્રેડિટ સ્કોર એ 300 થી 900 વચ્ચેની ત્રણ આંકડાની સંખ્યા છે, જે બતાવે છે કે તમે પૈસા પરત ચૂકવવામાં કેટલા વિશ્વાસપાત્ર છો. આ સ્કોર EMI અને કાર્ડ બિલ સમયસર ચૂકવવા, તમારી કુલ લોન, અને કેટલા સમયથી તમે ક્રેડિટનો ઉપયોગ કરો છો તેના આધારે નક્કી થાય છે. તમે TransUnion CIBILની વેબસાઇટ પર વર્ષમાં એક વખત મફતમાં તમારો સ્કોર જોઈ શકો છો, જ્યારે ઘણી બેંકો અને ફિનટેક એપ્સ પણ ફ્રીમાં આ સુવિધા આપે છે.
અંતમાં કહી શકાય કે RBI નો આ નવો નિયમ સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારતની ક્રેડિટ સિસ્ટમ હવે વધુ ઝડપી, કડક અને પારદર્શક બનવાની છે. સારા નાણાકીય વર્તનને જલ્દી ઇનામ મળશે અને ખરાબ આદતો તરત પકડમાં આવશે. જો તમે ભવિષ્યમાં લોન લેવા કે ક્રેડિટ કાર્ડ અપગ્રેડ કરવાની યોજના બનાવો છો, તો હવે દરેક EMI અને તારીખનું મહત્વ પહેલાથી પણ વધારે રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel