કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર દ્વારા આપવામાં આવેલું એક નિવેદન હવે નવા રાજકીય વિવાદનું કારણ બન્યું છે. આસામમાં ઘૂસણખોરીના મુદ્દે બોલતા તેમણે પરોક્ષ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું, પરંતુ તેમની ટિપ્પણીમાં ‘ગુજરાત’નો ઉલ્લેખ થતા મામલો વધુ ગરમાયો છે.
જાહેર મંચ પરથી બોલતા કન્હૈયા કુમારે કહ્યું કે, જ્યારે મીડિયાએ તેમને ઘૂસણખોરી અંગે પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે “સૌથી મોટો ઘૂસણખોર તો ગુજરાતમાંથી આવ્યો છે.” તેમણે આગળ કહ્યું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્મા સાથે તેને પણ અહીંથી હટાવવાની જરૂર છે. આ નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
આ નિવેદન અમિત શાહના તાજેતરના ભાષણના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે. 9 એપ્રિલે આસામના બારાક વેલી વિસ્તારમાં સંબોધન કરતા શાહે કહ્યું હતું કે ભાજપ સરકારે ઘૂસણખોરોની ઓળખ કરી લીધી છે અને હવે તેમને એક પછી એક દેશની બહાર મોકલવાનો સમય આવી ગયો છે. શાહના આ નિવેદન સામે કન્હૈયા કુમારે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.
આ ઘટના એ સમયે સામે આવી છે જ્યારે થોડા સમય પહેલાં જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનને લઈને પણ વિવાદ થયો હતો, જેમાં તેમણે ગુજરાતીઓને ‘અભણ’ ગણાવ્યા હતા. ભારે વિરોધ બાદ ખડગેએ માફી માગી હતી, પરંતુ હવે કન્હૈયા કુમારના નિવેદનથી ફરી એકવાર રાજકીય તણાવ વધ્યો છે.
વિશેષજ્ઞોના મતે, આવનારા દિવસોમાં ગુજરાત અને આસામ બંને રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મુદ્દે વાકયુદ્ધ વધુ તેજ બની શકે છે. ખાસ કરીને ઘૂસણખોરી, રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રાદેશિક ગૌરવ જેવા મુદ્દાઓને લઈને રાજકીય ચર્ચાઓ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel