2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે 20 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ ભવ્ય સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે. ખાસ વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપશે, જેને કારણે આ સમારોહ રાજકીય રીતે વધુ મહત્વનો બન્યો છે.
243 સભ્યોની બિહાર વિધાનસભામાં એનડીએએ 202 બેઠકો જીતીને વિશાળ બહુમતી મેળવી છે. જેમાં ભાજપ પાસે 89, જેડીયુ પાસે 85, લોજપા (રામવિલાસ) પાસે 19 અને અન્ય સાથી પક્ષો પાસે 9 બેઠકો છે. પરિણામે એનડીએ સરળતાથી સરકાર બનાવવાની સ્થિતિમાં છે.
આ જીત બાદ આજે સવારે જેડીયુ વડા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે અંતિમ કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન વિધાનસભા ભંગ કરવાનો ઠરાવ પસાર થવાનો છે. ત્યારબાદ નીતિશ કુમાર રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું સુપરત કરશે, જે નવી સરકાર રચવાની ઔપચારિક પ્રક્રિયાનો પ્રથમ પગલું ગણાશે.
વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે પૂરો થવાનો હોવાથી બધી ઔપચારિકતાઓ સમય પહેલાં પૂર્ણ કરવામાં આવી રહી છે. નીતિશના રાજીનામા બાદ જેડીયુ વિધાનસભા પક્ષની બેઠક યોજાશે, જેમાં નીતિશ કુમારને ફરીથી પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવશે એવી શક્યતા છે. ત્યારબાદ ભાજપ અને પછી એનડીએની સંયુક્ત બેઠક યોજાશે, જેમાં નીતિશ કુમારને ગઠબંધનના નેતા તરીકે જાહેર કરવામાં આવશે એવી ધારણા છે.
આ પછી એનડીએનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો કરશે. હાલ સુધી સત્તાવાર રીતે આ સ્પષ્ટ થયું નથી કે 20 નવેમ્બરે નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કે એનડીએ કોઈ અન્ય નેતાની પસંદગી કરશે. જોકે રાજકીય સુત્રો મુજબ નીતિશ કુમારનું પુનરાગમન જ મુખ્ય સંભાવના માનવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel