દિલ્લી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં શરૂ કરાયેલ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા વિસ્તારમાં આવેલી હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી ફરસા, છરા અને તલવારો સહિતના ઘાતક હથિયારો મળ્યા હોવાનો ખુલાસો થયો છે, જેના પગલે દરગાહના મુંજાવર અમીનશા ઈસ્માઈલશા કનોજીયાની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ ઑપરેશન 16 નવેમ્બરથી SP જયદીપસિંહ જાડેજાની દેખરેખ હેઠળ બે DySP, છ PI, સાત PSI, SOG, LCB, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત કુલ 120થી વધુ જવાનોની સાથે શરૂ થયું હતું, જેમાં કોડીનાર, ઉના અને વેરાવળ પોલીસની સંયુક્ત ટીમોએ બંદર અને આસપાસના વિસ્તારોમાં અચાનક ચેકિંગ કરી લોકોની પૂછપરછ પણ હાથ ધરી હતી.
પોલીસે પંચની હાજરીમાં મુંજાવર પાસે હથિયારો અંગે કોઈ લાઈસન્સ કે દસ્તાવેજ માંગ્યા છતાં મળ્યા ન હોવાથી તેને કસ્ટડીમાં લઈ FIR નોંધવામાં આવી છે, જે SOGના હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરીની ફરિયાદ પરથી ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ નોંધાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના આદેશનો ભંગ થયો હોવાને કારણે મુંજાવર પર કાર્યવાહી થઈ છે અને તે હથિયારો દરગાહમાં કોણે રાખ્યા, કઈ રીતે પહોંચ્યા અને તેનો હેતુ શું હતો તેની દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે.
જિલ્લા પોલીસ વડા જાડેજાએ જણાવ્યું કે કૉમ્બિંગ દરમિયાન અન્ય નિયમોના ભંગ અને બહારના રાજ્યોના ભાડૂઆતોની માહિતી ન આપવા જેવા કેસ પણ સામે આવ્યા છે, જેના આધાર પર કાર્યવાહી થઈ રહી છે. તાજેતરમાં જ ગીર સોમનાથમાં ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન દરગાહ હટાવવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો તેમજ કાશ્મીરના શખ્સોની પૂછપરછ પણ થઈ હતી, પરંતુ કોઈ જોડાણ હજી સુધી સામે આવ્યું નથી.
આ સાથે જ ગુજરાત ATS દ્વારા પકડાયેલા આતંકીઓએ અગાઉ ગાંધીનગરના કલોલ કબ્રસ્તાનમાં હથિયારો છુપાવ્યા હોવાની માહિતી પણ પ્રકાશમાં આવી હતી, જ્યાં UP અને રાજસ્થાનમાંથી આવેલા આતંકીઓ હથિયારો મૂકીને ગયા હતા અને ત્યારબાદ હૈદરાબાદથી આવેલ શખ્સ તેને લેતા પહેલાં જ ઝડપાઈ ગયો હતો. આજની ઘટના સાથે તેનો કોઈ સીધો સંબંધ હજી સુધી પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવ્યો નથી, તેમ છતાં સમગ્ર મામલે તપાસ અત્યંત ગંભીર અને સંવેદનશીલ ધોરણે ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel