ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂકંપી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ડિસેમ્બર મહિનામાં ચાર જેટલા વખત ધરતીકંપના આંચકા નોંધાયા હોવાની માહિતી મળી છે. આજે સવારે 6.07 વાગ્યે તાલાલામાં 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી આશરે 18 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ પછી બપોરે 2.32 વાગ્યે ફરી એક વખત 2.7 તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી લગભગ 24 કિલોમીટર દૂર હતું.
એક જ દિવસે બે વખત ભૂકંપના આંચકા આવતા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ 12 ડિસેમ્બરે બપોરના સમયે તાલાલામાં 3.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર હતું. ઉપરાંત 5 ડિસેમ્બરે મોડી રાત્રે અને ત્યારબાદ વહેલી સવારમાં બે આંચકા અનુભવાયા હતા, જેમાં અનુક્રમે 1.6 અને 1.4 તીવ્રતાના આંચકા નોંધાયા હતા. તે સમયે ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં હતું.
ડિસેમ્બર મહિનામાં વારંવાર આવતા ભૂકંપી આંચકાઓને પગલે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે, જોકે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનની માહિતી સામે આવી નથી. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવા ન ફેલાવવાની સાથે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel